Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ફરશે રથ, હારશે કોરોના, જીતશે ગુજરાત : પ સપ્ટેમ્બરથી યાત્રા

રાજયમાં પ કોવિડ વિજય રથ ધુમશેઃ સૌરાષ્ટ્ર વિભાગની યાત્રાનો જૂનાગઢથી પ્રારંભઃ લોકકલાકારો જોડાઇને કહેશે ''ભાગ કોરોના ભાગ''... : સરકારનું વિશીષ્ટ આયોજનઃ કેન્દ્રના માહિતી વિભાગના ગુજરાતના વડા ડો.ધીરજ કાકડિયાની અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા. રર : ગુજરાત સરકારે કોરોનાને નાથવા ધન્વંતરી રથ નો સફળ પ્રયોગ કર્યો. અમદાવાદમાં ધનવંતરી રથ ની કમાલ આખા દેશે દેખી.હવે કેન્દ્ર સરકારે નવા એક રથના અભિયાનને શરૂ કરવાનું નક્કી કર્યું છે. નામ છે કોવિડ વિજય રથ. ટેગ લાઈન હશે ઙ્કભાગ કોરોના ભાગઙ્ખ. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ગુજરાતના તમામ કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં વિજયરથ અભિયાન ૫ સપ્ટેમ્બર, ૨૦૨૦ એટલે કે શિક્ષક દિવસ થી શરૂ કરાશે. કોવિડ વિજય રથ વિશે અકિલાએ માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત વિભાગના વડા એડિશનલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડીયા સાથે ખાસ વાત કરી હતી. પ્રસ્તુત છે વાતના કેટલાક અંશો.

પ્રશ્નઃ આ કોવિડ વિજય રથ અભિયાનનો હેતુ શો છે?

જવાબઃ કોરોના મહામારીએ ન કેવળ ગુજરાત અને ભારત પરંતુ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો.સમગ્ર વિશ્વના શ્વાસ અધર થઈ ગયા હતા અને તે પણ મહિનાઓ સુધી!! આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અદભુત સમયસૂચકતા અને સૂઝને કારણે કોરોના આપણા દેશમાં ખાસ નુકસાન કરી શકયો નથી. વિશ્વના આધુનિક ગણાતા દેશોની સરખામણી કરીએ તો ભારત દેશમાં કોરોનાની અસર નહિવત દેખાશે. કેન્દ્ર સરકારે તમામ રાજય સરકારો સાથે સતત પરામર્શ કરી તંત્રને એટલું બધું વેગવાન બનાવી દીધું છે કે તાબડતોબ હોસ્પિટલો તૈયાર થઈ, અનેક સુવિધાઓ જેમકે માસ્ક,ભ્ભ્ચ્ કિટ્સ, વેન્ટિલેટર વગેરેનું ઉત્પાદન તત્કાલ કરી દેવાયું. આ સર્વગ્રાહી પગલાંને લઈને ભારત દેશે કોવિડ ઉપર વિજય મેળવી લીધો હોવાના અણસાર આપણને સૌને દેખાય છે. વિજયનો વિશ્વાસ બળવત્ત્।ર બને અને લડાઈના છેલ્લા ચરણમાં પણ જનતા તરફથી કોઈ ગાફલાઈ ન રહે એવા બેવડા હેતુથી ગુજરાત ભરમાં કોવિડ વિજયરથ જનજાગૃતિ અભિયાન ચાલુ કરવામાં આવશે.

પ્રશ્ન : આ અભિયાનની વિગતો શું છે?

જવાબઃ આ અભિયાન ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરતા પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો,યુનિસેફ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના સંયુકત પ્રયાસોથી ગુજરાતમાં ધરાશે. અભિયાનમાં પાચ જુદા જુદા જોનમાં પાંચ રથ ચાલુ કરવામાં આવશે. સુરત ,જુનાગઢ ,ભુજ, પાલનપુર અને ગોધરા શહેરોમાંથી આ રથનું પ્રસ્થાન તારીખ ૫મી સપ્ટેમ્બરે કરાશે. આ રથ દરરોજના ૬૦ કિલોમીટર ધીમી ગતિએ ચાલશે અને સામાજિક અંતર તેમજ માસ્કની અનિવાર્યતા અંગે જન જાગૃતિ કરશે.

પ્રશ્નઃ શું આ રથ માત્ર જાહેરાત કરવા પૂરતો જ રહેશે કે કાર્યક્રમો કરાશે?

વાસ્તવમાં હાલ કોઈ પણ પ્રકારના મેળાવડા કે જનસમૂહ એકઠા કરવાનો સમય નથી. કોરોના ની અસરને કારણે લોકોએ અતિજરૂરી હોય તો જ દ્યરની બહાર નીકળવું એવું આપણે સતત માર્ગદર્શન આપીએ છીએ એટલે આ રથયાત્રા દરમિયાન આવા તમામ નિયમોનું પાલન કરાશે. જનજાગૃતિ અર્થે આ અભિયાનમાં લોક સમૂહ એકઠો કરી સભા સ્વરૂપે સંબોધવાની વાત નથી માત્ર માઉથ પબ્લિસિટી અને લોકકલાના માધ્યમથી જનજાગૃતિ અર્થે આ રથ ઉત્ત્।મ કામ કરશે એવું આયોજન કરાયું છે.

પ્રશ્ન : લોકકલાનો ઉપયોગ કેવી રીતે કરશો?

જવાબઃ આ આયોજનની એક ખાસ બાબત એ છે કે ભારત સરકારમાં રજીસ્ટર્ડ થયેલા ગુજરાતના લગભગ ૩૨૫ જેટલા કલાકારો જેમાં ભવાઈ ,ડાયરો, ડ્રામા, જાદુ વગેરે કલાના કલાકારો નોંધાયેલા છે. આજ કલાકારોમાથી ચયન કરી દરેક રથ સાથે સામાજિક અંતર જાળવી રાખવાના નિયમ સાથે કલાકારોને પોતાની કલાના માધ્યમથી જનજાગૃતિ અને વિજયનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવા તક મળશે. વાસ્તવમાં ભારત સરકારને આ અભિયાનમાં યુનિસેફના ગુજરાત એકમનો સહકાર સાંપડ્યો હોવાથી આ અભિયાન વધુ અસરકારક રીતે હાથ ધરી શકાશે.

પ્રશ્ન : કુલ કેટલા દિવસ આ અભિયાન ચાલશે અને રથ કયાં કયાં ફરશે?

જવાબઃઆ અભિયાન પાંચ સપ્ટેંબરથી બે મહિના સુધી ચલાવવામાં આવનાર છે.આગળ જણાવ્યા મુજબના પાંચ વિસ્તારોમાં આ રથ ફરશે ત્યારે માત્ર કોવિડ પૂરતી જ વાત નહીં પરંતુ રસ્તામાં વિવિધ સરકારી યોજનાઓની માહિતી પણ જનતા સુધી પહોંચાડવામાં આવશે.

પ્રશ્નઃ કઈ કઈ સરકારી યોજનાઓની વાત કરવાના છો?

જવાબઃ કોવિડ રથ ઉપર સવાર થયેલા સોંગ એન્ડ ડ્રામા ડિવિઝનના રજીસ્ટર્ડ કલાકારો કોવિડ ઉપર વિજય મેળવવા જરૂરી તકેદારીઓ બાબતે તો વાત કરશે જ પરંતુ સાથે સાથે છેલ્લા મહિનાઓમાં કેન્દ્ર સરકારે લીધેલા અદભુત ક્રાંતિકારી નિર્ણયો જનતા સમક્ષ જણાવશે અને એ તમામનો લાભ લોકો લઇ શકે? એ અંગે જાગૃતિ લાવશે. આ યોજનાઓમાં નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, માનવરહિત આવક વેરા આકારણી પદ્ઘતિ, પ્રધાનમંત્રી કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડની રચના, આત્મનિર્ભર ભારતની સંકલ્પના તથા એવી બીજી યોજનાઓ વિશે કલાના માધ્યમથી જાણકારી આપવામાં આવશે.

પ્રશ્ન : આ સમગ્ર અભિયાનના ટાઈમિંગ બાબતે જણાવશો?

જવાબઃ વાસ્તવમાં આ અભિયાનની દરખાસ્ત કેન્દ્ર સરકારે મંજૂર કરતા કોવિડ વિજયરથની શરૂઆત કરવાની છે. ટાઈમિંગ બાબતમાં કહું તો અત્યારે કોરોના મહામારી સામેની લડાઈમાં આપણે વિજયના નિર્ણાયક તબક્કે પહોંચવાનું છે.દેશભરમાં કોરોનાનો મૃત્યુદર ખૂબ દ્યટી રહ્યો છે.સાજા થનાર દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન ટકાવારીમાં ખૂબ વધતી જાય છે. લોકોમાં આ મહામારીની અસરો અંગે તેમજ લક્ષણો અંગે સભાનતા આવતા જાગૃતિ સાથે તુરંત સારવાર કરવાથી રોગ ઉપર કાબૂ મેળવી શકાય તેવા ચિન્હો દેખાવા લાગ્યા છે. આ નિર્ણાયક તબક્કામાં આપણે પાછા ન પડીએ અને કોવિડ સામે લડનારા ફ્રન્ટલાઈન વર્કર્સનુ મનોબળ મજબૂત બની રહે તેમજ જનતાનો સોલિડ સપોર્ટ તમામ ડોકટર્સ, નર્સો ,સ્વયંસેવી સંસ્થાઓ તેમજ તમામ કોરોના વોરિયર્સ ને મળતો રહે એ જોવાની આપણી સહિયારી જવાબદારી છે. સાથે સાથે વિજયનો વિશ્વાસ વધારવા દરેક સ્થળે કોરોના વિનર્સ એટલે કે કોરોનાને મ્હાત કરીને સાજા થયેલા નાગરિકોનું સન્માન કરવામાં આવશે.વિજયરથ દરમિયાન આવા કોરોના વિનરને પણ માધ્યમ બનાવી લોકોના વિશ્વાસમાં વધારો કરી શકીશું. જગ્યાએ જગ્યાએ કોરોના વિનર્સને સાથે રાખીને સામાજિક અંતરની જાળવણી સાથે આ કલાકારો જનતાને ધરપત આપશે કે જુઓ આ લોકો જો કોરોનાને હરાવી શકતા હોય તો તમે કેમ નહીં? કલાકારો કહેશે કે સરકાર તરફથી તમામ પગલા લેવાઈ રહ્યા છે, જરૂર છે જનતાના મજબૂત સહયોગની. જો જનતા જાગશે તો કોરોના ભાગશે .ભાગ કોરોના ભાગ ટેગલાઇન પણ આ ઉદ્દેશથી જ બનાવવામાં આવી છે. રથ કયાં દિવસે કયા વિસ્તારમાં ફેરશે તેનું વિગતવાર સમય પત્રક હવે પછી જાહેર કરવામાં આવશે.

પ્રશ્નઃ કોવિડ વિજયરથ દરમિયાન મુખ્યત્વે સંદેશા પદ્ઘતિ કેવી હશે?

જવાબઃ કોવિડ વિજય રથયાત્રા દરમિયાન સામાજિક અંતર ની જાળવણી, માસ્ક ફરજિયાત પહેરવાની આવશ્યકતા, અફવાઓથી દૂર રહેવા દેવાની, સાવધાની રાખવાની તેમજ જો કોરોનાના પ્રાથમિક લક્ષણો પણ દેખાય તો તરત સારવાર લેવાની વાત મુખ્ય હશે.સામાજિક અંતર જાળવી રાખવી લોકોને કલાકારો વાત કરશે.

લોકકલા સંદેશા વ્યવહારનું એક ઉત્ત્।મ અને પ્રબળ માધ્યમ છે. લોકો સાથે ટ્રેડિશનલ મીડિયા દ્વારા સરળતાથી વાત કરી શકાય છે અને સંદેશો આપી શકાય છે. જેમકે ભવાઈમાં ગીત ના માધ્યમથી, ડાયરામાં દોહાના માધ્યમથી, નાટકમાં સંવાદના માધ્યમથી અને જાદુમાં જાદુના ખેલથી લોકોને કોરોનાની સામે લડવાના ઉપાયો સરળતાથી સમજાવી શકાશે અને સરકારી યોજનાઓ બાબતે જાગૃતિ લાવી શકાશે. આ સિવાય રસ્તામાં તમામ જગ્યાએ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે. સ્થાનિક સ્તરે લોકપ્રિય ટીવી ચેનલો,અખબારો તેમજ અન્ય પ્રચાર-પ્રસારના માધ્યમોનો રથયાત્રા દરમિયાન ભરપૂર ઉપયોગ કરવાનું પણ આયોજન છે.

(3:57 pm IST)