Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

હેલ્મેટનું વજન ૧.૨ કિલોથી વધુ હશે તો રૂ. ૧૦૦૦ દંડ થશે

હેલ્મેટમાં એક વેન્ટિલેટર ફરજિયાત બનાવાયું

અમદાવાદ,તા. ૨૨: ટ્રાફિક નિયમના નવા આવી રહેલા નિયમ અનુસાર હવે તપેલી જેવી કે હલકી ગુણવતાની હેલ્મેટનો વાહન ચાલક ઉપયોગ કરશે તો તેને રૂ. ૧૦૦૦ નો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન વિભાગ દ્વારા તાજેતરમાં એક નોટિફિકેશન જાહેર કરી સબ સ્ટાન્ડર્ડ હેલ્મેટનો ઉપયોગ બંધ થાય તે માટે નવા નિયમો જાહેર કર્યા છે. તે મુજબ જો કોઇ વાહન ચાલક પાસે ૧ કિલો ૨૦૦ ગ્રામથી વધુ વજનની હેલ્મેટ હશે તો તેની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જે અત્યંત ટૂંકાગાળામાં રાજ્ય સરકાર પણ અમલી કરવા જઇ રહી છે.

નવી હેલ્મેટ બજારમાં આવશે તેમાં ફરજિયાત એક વેન્ટિલેટર હશે, ઓછા વજનની સાથે હવાની અવરજવર માટેની વ્યવસ્થા હશે. મોટા ભાગના વાહનચાલકોને હેલ્મેટ પહેરવામાં કોઇ તકલીફ ન પડે તે માટે હેલ્મેટની અંદર વોશેબલ મટીરિયલ હશે. ગરમીમાં ચાલકો આ મટીરીયલ બહાર કાઢીને ધોઇ શકે તેવું રિમૂવેબલ થીન લેયર મટીરિયલ હશે.

અત્યાર સુધી સબ સ્ટાન્ડર્ડ માપદંડો આધારિકત બનાવવામાં આવેલી હેલ્મેટનો વધુ ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે હેલ્મેટ પહેરવાનો ફરજિયત નિયમ અમલી કરાયા બાદ માર્ગ અકસ્માતોમાં મૃત્યુ ના નાવોમાં ખાસ ઘટાડો જોવા ન મળતા હવે નવા નિયમો સાથે હેલ્મેટ બનનવવા માટે હેલ્મેટના ઉત્પાદકોને પણ જણાવી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી હેલ્મેટના વજન બાબતે કોઇ સ્ટાન્ડર્ડ નકકી ન હતું. જેથી હવે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા હેલ્મેટને સ્ટાન્ડર્ડ મુજબ બનાવવાનું નકકી કરવામાં આવ્યું છે અને ભારતીય માનક બ્યુરોની અનિવાર્ય સુચિમાં પણ વજનને સામેલ કરવામાં આવ્યું છે. પરિવહન વિભાગ, ટ્રાફિક પોલીસ સહિતની સરકારની વિવિધ એજન્સીઓ હવે વાહન ચેકિંગ દરમિયાન હેલ્મેટના વજનની પણ ચકાસણી કરશે. જો હેલ્મેટનું વજન ૧.૨ કિલોથી વધુ હશે તો વાહન ચાલક પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલાશે. આ ઉપરાંત હેલ્મેટને અનિવાર્ય સૂચિમાં સામેલ કરવામાં આવ્યા બાદ જો કોઇ હેલ્મેટ ઉત્પાદન કંપનીઓ સબ સ્ટાન્ડર્ડ હેલ્મેટ બનાવતી હશે તો એવી કંપનીઓ સામે પણ બે લાખ રૂપિયાનો દંડ અને છ મહિનાની સજાની જોગવાઇ કરાઇ છે.

(3:55 pm IST)