Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કોરોનાની કારમી ઇફેકટ

૮૪ ટકા ડેસ્ટિનેશન વેડિંગ રિશેડયૂલ કરાયાં

૪૦ ટકા લોકો મુહૂર્ત જોવડાવ્યા વિના લગ્ન કરવા તૈયાર

અમદાવાદ, તા.૨૨: ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની ગાડી ફરે પાટા પર આવી રહી છે. લોકો વાઇરસ સાથે ફરવાનું-રહેવાનું શીખી રહ્યા છે. લોકો લોકડાઉનની ઉદાસી દૂર કરવા નાનાં અને ઘરની નજીકનાં વીકએન્ડ ટુરિસ્ટ સ્પોટ શોધી રહ્યા છે. નિષ્ણાતોના મતે કોરોનાના કારણે આગામી બે વર્ષ સુધી લોકો વિદેશ જવાનું ટાળશે અને દેશમાં જ ડેસ્ટિનેશન શોધશે. કોરોનાના લીધે ડેસ્ટિનેશન વેડિંગ બિઝનેસ પર અસર થઇ છે. લોકડાઉનમાં રદ થયેલ ૮૪ ટકા વેડિંગ ઇવેન્ટ રિશેડયુલ થઇ છે, જેના પગલે જુલાઇમાં જ વેડિંગ વેન્યુની કવેરીની સંખ્યા વધી છે. કોરોનાથી કંટાળીને આધારભૂત માહિતી મુજબ ૪૨ ટકા લોકો હવે મુહૂર્ત જોયા વિના જ લગ્ન કરવા ઇચ્છે છે અને તેને ધ્યાનમાં રાખીને નવાં વેડિંગ ડેસ્ટિનેશન બનાવવામાં આવી રહ્યા છે. કારણ કે માર્ચ માસથી અનેક લોકોનાં નિર્ધારિત લગ્ન અટવાયાં છે. તેથી તેઓ હવે મુહૂર્તની ઝંઝટ કે વેઈટિંગની રાહ જોવાના બદલે મુહુર્ત વગર જ લગ્ન કરવા રાજી છે.

અનલોક બાદ અમદાવાદ, ગુજરાત અને દેશભરમાં પર્યટનનો પ્રારંભિક ટ્રેન્ડ બદલાયો છે. લોકો હવે લાંબી મુસાફરી કરવાનું ટાળી મેટ્રો શહેરોથી ૩૦૦ કિ.મી. અંદર હોય તેવા ડેસ્ટિેશન માટે ઇન્કવાયરી કરી રહ્યા છે. આગામી દિવાળી સિઝનમાં જો કોરોના બાબતે સૌ સારાવાનાં થાય તો ઘેર રહી કંટાળેલા લોકો હવે બહાર ફરવા જવા માગે છે, જેમાં સૌથી વધુ માગ હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ગોવાની છે, જોકે આગામી સમયમાં હાઇપર લોકલ ટ્રાવેલ જ ટ્રેન્ડમાં રહેશે.

આ ઉપરાંત ધાર્મિક ટૂરિઝમમાં પણ સારી ઇન્કવાયરી આવી રહી છે. અત્યાર સુધી ધંધો બંધ રાખી બેઠેલા ટ્રાવેલ એજન્ટોએ ફુરસદના સમયમાં આગામી સમયને ધ્યાનમાં રાખી ૭૦૦થી વધુ નવાં ટૂરિસ્ટ સ્પોટ શોધ્યાં હોવાનું જાણવા મળે છે.  વર્ક ફ્રોમ હોમ માટે આઇટી પ્રોફેશનલ ગોવા જેવાં ટૂરિસ્ટ સ્પોટ પસંદ કરી રહ્યા છે. ગોવામાં અનેક આઇટી કંપનીઓએ વિલા ભાડે લીધાં છે. તેનું માસિક ભાડું દોઢથી બે લાખ રૂપિયા છે. ગોવા હોટલ એસોસીએશનનાં સૂત્રો મુજબ હાલમાં ગોવામાં જેટલી પણ હોટલ ઓકયુપન્સી છે તેમાં અડધાથી વધુ વર્ક હોમવાળાના લીધે છે.

(12:56 pm IST)