Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

લોકડાઉન ખૂલ્યા બાદ ગુજરાતના મોટાભાગનાં MSMEની હાલત કફોડી

ઊંચી પડતર, માંગનો અભાવ, ફિકસ્ડ ખર્ચા તથા હાથ પરની મર્યાદિત મૂડી જેવા કારણોના લીધે નાના એકમોને કોવિડ-૧૯ પૂર્વેની સ્થિતિમાં આવતા હજુ ઘણો લાંબો સમય લાગે તેવી શકયતા છે

નવી દિલ્હી,તા. ૨૨: કોરોના મહામારીમાં લોકડાઉન ખૂલ્યા પછીના મુશ્કેલ સમયમાં લઘુ, નાના અને મધ્યમ ઔદ્યોગિક એકમો (એમએસએમઈ)ની હાલત વધુ કફોડી બની રહી છે. ઊંચી પડતર, માંગનો અભાવ, ફિકસ્ડ ખર્ચા તથા હાથ પરની મર્યાદિત મૂડી જેવા કારણોના લીધે નાના એકમોને કોવિડ-૧૯ પૂર્વેની સ્થિતિમાં આવતા હજુ ઘણો લાંબો સમય લાગે તેવી શકયતા છે અને એટલે જ મોટાભાગના એકમો હવે આક્રમકપણે બિઝનેસ રિસ્ટ્રકચરિંગ કરી રહ્યા છે. ૩૬ ટકા એકમો ફિકસ્ડ ખર્ચ પર કાપ મૂકી રહ્યા છે જયારે ૨૨ ટકા એકમો પગારનો ખર્ચ ઓછો કરવા માટે ઓછા માણસો પાસેથી વધુ કામ કરાવી રહ્યા છે.

સુરત સ્થિત સ્ટ્રેટેફિકસ કન્સલ્ટીંગ દ્વારા તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલા એક માર્કેટ સર્વેમાં આ તારણો બહાર આવ્યા હતા. મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ક્ષેત્રે સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાં સ્થાન ધરાવતી સ્ટ્રેટેફિકસે જુલાઈ, ૨૦૨૦ના પહેલા બે અઠવાડિયા દરમિયાન રૂ. ૧૦ કરોડથી માંડીને રૂ. ૧૦૦ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી ૧૦૦થી વધારે કંપનીના માલિકોનો સંપર્ક સાધ્યો હતો.

 આ અંગે સ્ટ્રેટેફિકસ કન્સલ્ટીંગના સ્થાપક અને પાર્ટનર ચિરાગ પટેલે જણાવ્યું હતું કે 'કોવિડ-૧૯ મહામારીમાં લોકડાઉન દરમિયાન અને અનલોક પછી પણ હાલ બધા જ ઉદ્યોગો, ખાસ કરીને નાના તથા મધ્યમ ઔદ્યોગિક એકમોની સ્થિતિ કફોડી બની છે. આ એકમોની હાલની ધંધાકીય સ્થિતિ કેવી છે, તેમને હાલ કેવી મુશ્કેલીઓ પડી રહી છે અને તેમાંથી બહાર નીકળવા માટે તેઓ કયા ઉપાયો હાથ ધરી રહ્યા છે તે ઉદ્દેશથી અમે આ માર્કેટ સર્વે હાથ ધર્યો હતો.'

 સર્વેના તારણો અનુસાર ૮૫ ટકાથી વધારે બિઝનેસમેન અત્યારે બિઝનેસના રિસ્ટ્રકચરિંગ ઉપર ધ્યાન આપી રહ્યા છે. ૩૬ ટકા ધંધાકીય એકમો ફિકસ્ડ ખર્ચ પર કાપ મૂકી રહ્યા છે. હાલના તબક્કે નવી આવકોની તકો મર્યાદિત હોવાથી અને દૂરના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકાઈ રહ્યા છે. સર્વેમાં ભાગ લેનારા ૨૨ ટકા લોકોના મતે તેઓ શકય એટલા ઓછા માણસો પાસેથી વધુ કામ લઈ રહ્યા છે. ધંધામાં ફિકસ્ડ ખર્ચ ઓછો કરવાના ભાગરૂપે અનેક કામદારોને છૂટા કરવામાં આવ્યા છે. હાલ અનેક એકમોમાં કુશળ કામદારોની અછત પ્રવર્તતી હોવાથી ઓછા માણસોથી વધુ કામકાજ લેવા માટે આ કંપનીઓ મલ્ટી ટાસ્કિંગ કલ્ચર પર વધારે ભાર મૂકી રહી છે.

૧૮ ટકા કંપનીઓ માને છે કે બજારમાંથી નવી માંગમાં નબળાઈ હોવાથી નવા ગ્રાહકોની અછત છે એટલે તેઓ જૂના ગ્રાહકોને વધુ સારી સર્વિસ આપીને ટકાવી રાખવા મથી રહી છે. ૧૪ ટકા બિઝનેસમેન માને છે કે હાલ તેઓ કોઈ જ જોખમ લેવા માંગતા નથી. સર્વેમાં પ્રતિસાદ આપનારા ૧૦ ટકા લોકો હાલ આઈટી અને ઓટોમેશન પર વધુ ધ્યાન આપી રહ્યા છે અને ધીમેધીમે બિઝનેસને માણસોના બદલે કમ્પ્યૂટરાઈઝડ સિસ્ટમ પર લઈ જવા માટે પ્રયત્નો આદરી રહ્યા છે.

'બિઝનેસમેન કયા કારણોસર રિસ્ટ્રકચરિંગ કરી રહ્યા છે તે અંગે અમે વધારે ઊંડાણપૂર્વક રિસર્ચ કર્યું તો અમને કેટલાક મહત્વના કારણો જાણવા મળ્યા. પહેલું એ કે બજારમાં નવીન તકોનો અભાવ છે. હાલ જોઈએ તેટલી માંગ જ નથી ત્યારે બિઝનેસને આગળ વધારવાની કામગીરીનો અવકાશ ખૂબ જ મર્યાદિત છે. બીજું એ કે હાથ પરની મૂડી ખૂબ જ મર્યાદિત છે. નવા વેચાણની તકો ખૂબ ઓછી છે ત્યારે કંપની પાસે મૂડી પણ મર્યાદિત પ્રમાણમાં જ હોય છે. ઓછી મૂડીમાં કંપની ચલાવવી હોય ત્યારે રિસ્ટ્રકચરિંગ એકમાત્ર ઉપાય છે જેમાં ઓછા ખર્ચે વધારે સારા પરિણામો કેવી રીતે મેળવી શકાય તેના પર ધ્યાન આપીને કંપનીમાં ફેરફારો કરી શકાય છે', એમ ચિરાગ પટેલે ઉમેર્યું હતું.

(10:04 am IST)