Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અમદાવાદના ૧૦૧૬ કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ

વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ : માગણી કર્યા વગર લોકોને સામેથી વિકાસ કામોની ભેંટ આપનારી આ જનહિતલક્ષી સરકાર : મુખ્યમંત્રી વિજય રૂપાણી

અમદાવાદ,તા.૨૧ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરને એટ વન કલીક રૂ. ૧૦૧૬ કરોડના વિવિધ વિકાસ કામોની ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભેટ આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સરકાર જનતા જનાર્દનની આશા-અપેક્ષાઓ સંતોષનારી અને ફટાફટ નિર્ણયો લઇ વિકાસ કામો આપનારી જનહિતલક્ષી સરકાર છે. તેમણે ઉમેર્યુ કે, લોકોને વિકાસ કામો માંગવા આવવું પડતું નથી પરંતુ માંગ્યા વિના સામે ચાલીને વિકાસ કામો આપનારી આ રાજ્ય સરકાર છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસના કામોમાં વધુને વધુ લોકો જોડાય, શહેરી જનસુખાકારીમાં સતત વધારો થાય અને ઇઝ ઓફ લિવીંગમાં વૃદ્ધિ સાથે લોકો પ્રગતિ સમૃદ્ધિ મેળવે તેવો ધ્યેય આપણે રાખ્યો છે.

        મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બિજલ પટેલ, સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષ અમૂલ અને શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસની ઉપસ્થિતીમાં રૂ. રપ૬ કરોડના વિવિધ ૧૫ કામોના ઇ-લોકાર્પણ અને રૂ. ૭૬૦ કરોડના ૪૬ પ્રજાલક્ષી કામોના ઇ-ખાતમૂર્હત ગાંધનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.અમદાવાદ મહાનગરના પાંચ બ્રીજના નામકરણ પણ મુખ્યમંત્રીએ ઇ-તકતી અનાવરણથી કર્યા હતા.  તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના ઝૂંપડા પુનઃવસન પુનઃવિકાસ પોલિસી અંતર્ગત સાબરમતી, પાલડી અને દાણીલીમડા વોર્ડમાં તૈયાર થયેલા ૧૧૮૪ આવાસોનો કોમ્૫યુટરાઇઝડ ડ્રો પણ કર્યો હતો. મુખ્યમંત્રીએ આ આવાસ યોજનામાં ડ્રો મારફતે આવાસ મેળવનારા લાભાર્થીઓ સાથે ટેલિફોનિક સંવાદ કરીને તેમને આવાસ સંકુલમાં સ્વચ્છતા જાળવવાના આગ્રહ સાથે સુખમય જીવનની શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાના પડકાર વચ્ચે પણ ગુજરાતના મહાનગરો સહિત રાજ્યની વિકાસયાત્રાના કામોની ગતિ આપણે જાળવી રાખીને આપત્તિને અવસરમાં પલ્ટાવવાની ખૂમારી દર્શાવી છે. તેમણે ઉમેર્યુ કે, આ સરકારે શહેરી વિકાસની આગવી કેડી કંડારી છે અને ઝડપથી કામો થાય, વિકાસની હરણફાળ જારી રહે તે માટે પ્લાનીંગ ઇન ડિટેઇલ-પ્લાનીંગ ઇન એડવાન્સ સાથે આયોજનબદ્ધ પગલાંઓ ભર્યા છે

(10:18 pm IST)