Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

૭ તાલુકાઓમાં સાડા ચારથી સાડા પાંચ ઈંચ સુધીનો વરસાદ

રાજ્યમાં સરેરાશ ૮૮.૫૫ ટકા વરસાદ : ચોર્યાસીમાં સાડા પાંચ, વલસાડ, નવસારી, જલાલપોર તેમજ ખેરગામમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો

ગાંધીનગર,તા.૨૧ : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૨ જિલ્લાના ૧૭૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૭ તાલુકાઓ એવા છે કે જ્યાં સાડા ચાર થી સાડા પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ૧૩૯ મીમી એટલે કે સાડા પાંચ ઈંચથી વધુ, નવસારી જિલ્લાના ચીખલી-ગણદેવી તાલુકામાં ૧૨૪ મીમી એટલે કે પાંચ ઈંચ તથા વલસાડમાં ૧૧૯ મીમી, નવસારીમાં ૧૧૫ મીમી, જલાલપોરમાં ૧૧૪ મીમી અને ખેરગામ તાલુકામાં ૧૧૩ મીમી એટલે કે સાડા ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૫ તાલુકાઓમાં બે થી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેમાં તલોદ, પાટણ, ઉમરગામ, વાપી, ડોલવાણ, કપરાડા, વાંસદા, વઘઈ, બારડોલી, પારડી, પલસાણા, દાંતા, ડાંગ-આહવા, ધરમપુર અને મેઘરજનો સમાવેશ થાય છે. જયારે છેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યના ૨૭ તાલુકાઓમાં એક થી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

                જેમાં શહેરા, ભિલોડા, માલપુર, નિઝર, બાલાસિનોર, ક્વાંટ, ખાનપુર, ખંભાળિયા, ગોધરા, અમદાવાદ શહેર, હાલોલ, વ્યારા, મોડાસા, પડધરી, ગળતેશ્વર, કરજણ, સુબિર, ધંધુકા, લુણાવાડા, વિરપુર, ઈડર, વાલોડ, મહુવા(સુરત), વિજાપુર, સોનગઢ, ભરૂચ અને નેત્રંગ તાલુકાનો સમાવેશ થાય છે. ૩૩ તાલુકાઓમાં અડધા થી એક ઈંચ જયારે ૮૬ તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો સામાન્ય વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે. રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૮૮.૫૫ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૫૦.૮૭ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૯.૧૮ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૧.૬૮ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૬૮.૦૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૬૫.૨૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

            રાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત ૨૦૬ જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ ૧,૮૮,૩૯૪ એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહ ૫૬.૩૯ ટકા જેટલો થયો છે. રાજ્યના ૬૪ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત ૬૪ જળાશયો એવા છે કે જે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર સહિત ૨૫ જળાશયો એવા છે કે જેમાં ૫૦ થી ૭૦ ટકા પાણી ભરાયા છે. ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ૨૮ જળાશયો જયારે ૨૫ ટકાથી ઓછા ભરાયા હોય એવા ૨૪ જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે ૧૩૧ માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં પંચાયત હસ્તકના ૧૧૯ માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

(10:19 pm IST)