Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

પોપ્યુલર બિલ્ડરના માલિક, પુત્રના આગોતરા ફગાવાયા

પુત્રવધુને માર-મારવાના કેસમાં : આરોપીઓને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડા કરે એવી શંકા ફરિયાદીના વકીલે ગ્રામ્ય કોર્ટમાં વ્યક્ત કરી

અમદાવાદ, તા.૨૧ : અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને તેના પુત્ર મૌનાંગ પટેલની આગોતરા જામીન ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. જયારે મયુરિકા પટેલ અને મુકેશ પટેલના આગોતરા જામીન કોર્ટે મંજૂર કર્યા છે.કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતા ઠરાવ્યુ હતુ કે આરોપી સામે પુરતા પુરાવા છે.પોલીસને આરોપીની હાજરીની જરુરિયાત હોવાથી આગોતરા જામીન આપી શકાય નહીં.તપાસનીશ અધિકારીએ એફિડેવીટમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, આરોપીઓને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડા કરે અથવા સાક્ષીઓ ફોડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. બિલ્ડર રમણ પટેલ અને મૌનાંગ પટેલ હવે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરે તેવી શકયતા છે. વસ્ત્રાપુર પોલીસ મથકમાં રમણ પટેલની પુત્રવધૂએ શારિરીક માનસિક ત્રાસ અને દહેજની માંગણીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ રમણ પટેલ સહિતના પરિવારજનો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

              ત્યારબાદ રમણ પટેલ, તેમની પત્ની મયૂરીકા, પુત્ર મૌનાંગ અને મુકેશ પટેલે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી છે. જેમાં એવી રજૂઆત કરી હતી કે, ખોટી ફરિયાદ કરવામાં આવી છે, આવો કોઇ જ ગુનો કર્યો નથી, પોલીસ તપાસમાં સહકાર આપવા તૈયાર છીએ, જામીનપાત્ર ગુનો છે, ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે, સમાજમાં પ્રતિઠીત વ્યક્તિ તરીકે જીવન ગુજારીએ છીએ તેથી ક્યાંય નાસી કે ભાગી જઇએ તેમ નથી,  કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી કોર્ટે જામીન આપવા જોઇએ.

           જો કે, અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ કોર્ટમાં પોલીસનું સોગંદનામુ રજૂ કરી એવી દલીલ કરી હતી કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે જેની તપાસ નાજુક તબક્કે ચાલી રહી છે અને આરોપીઓની તપાસમાં હાજરી જરૂરી છે, આરોપીઓએ ફરિયાદી અને તેની માતાને બિભત્સ ગાળો બોલી શારિરીક માનસિક ત્રાસ આપ્યો હતો, ઉપરાંત તેની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, આરોપીઓ સામે ફરિયાદ નોંધાયા બાદ તેઓ નાસતા ફરે છે અને ત્યારે આવા આરોપીઓ જામીન પર મુક્ત થાય તો ફરિયાદ પાછી ખેંચી લેવા ફરિયાદીને દબાણ કરે તેવી શક્યતાઓ છે, આરોપીએ ફરિયાદીને માર મારતા નાકે ફેક્ચર થયુ છે તે અંગેના તબીબી પુરાવા પણ છે, આરોપી સામે પ્રથમદર્શિય કેસ બને છે ત્યારે આવા ગંભીર કેસમાં આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવે તો સમાજમાં વિપરીત અસર પડે તેમ છે. તેથી આરોપીઓને આગોતરા જામીન ન આપવા જોઇએ. ત્યારબાદ કોર્ટે મૌનાંગ પટેલ અને રમણ પટેલની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.

(10:09 pm IST)