Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સુરતના માંડવી તાલુકાના ઉટેવામાં શિક્ષણ જગત માટે કલંકિત ઘટનાઃ પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા ૧પ જેટલી વિદ્યાર્થીનીઓની છેડતી કરાતા ધરપકડ

સુરત :સુરત પાસેના માંડવીના ઉટેવા ગામે શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના બની છે. ઉટેવા ગામે આવેલ પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીની શારીરિક છેડતી કર્યાનો મામલો સામે આવ્યો છે. શિક્ષકે એક નહિ, પણ પ્રાથમિક સ્કૂલની 15 જેટલી વિદ્યાર્થીનીઓની શારીરિક છેડતી કરી છે. જેનો ભાંડો ફૂટ્યો શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉટેવા ગામે પ્રાથમિક શાળા આવેલી છે. શાળામાં ભણાવતા એક શિક્ષકે એક વિદ્યાર્થીનીની શારીરિક છેડતી કરી હતી. ત્યારે વિદ્યાર્થીનીએ પોતાના પરિવારમાં શિક્ષકની શારીરિક છેડતીની જાણ કરી હતી. જેને કારણે શિક્ષકની લંપટલીલાનો ભાંડો ફૂટ્યો હતો. પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે, લંપટ શિક્ષક દ્વારા અગાઉ પણ 15 જેટલી વિદ્યાર્થીનીઓની શારીરિક છેડતી કરાઈ હતી.

લંપટ શિક્ષક દ્વારા છેલ્લા 2 વર્ષથી અનેક વિદ્યાર્થીનીઓની છેડતી કરાઈની પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે. માંડવી પોલીસે વિદ્યાર્થીનીના પરિવારની ફરિયાદ લઈ શિક્ષક સામે પોક્સો મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીનીની છેડતીની ફરિયાદ બાદ આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવે છે. શિક્ષક ઉટેવા ગામનો રહેવાસી છે. ત્યારે સ્થાનિક ગામના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીની છેડતી કરાતા લંપટ શિક્ષક પર ગામ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

(6:02 pm IST)