Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

ગુજરાત:છેલ્લા ૮ દિનમાં સિઝનનો ૫૦ ટકા વરસાદ

ગુજરાતમાં હજુ સુધી ૪૨૭ મીમીથી વધુ વરસાદ:૨૧ જુલાઈ સુધીમાં ૫૧.૩ ટકા વરસાદ:જુલાઈ તેમજ ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં મહત્તમ વરસાદ થાય છે

અમદાવાદ,તા. ૨૨:ગુજરાતભરમાં મોનસુન જોરદારરીતે સક્રિય થયેલું છે. આઠ દિવસના ગાળામાં જ સિઝનનો ૫૦ ટકા જેટલો વરસાદ નોંધાયો હોવાના આંકડા સપાટી ઉપર આવ્યા છે. ક્રિકેટ ખેલાડીની જેમ ધીમી ઇનિંગ્સ બાદ ગુજરાતમાં મોનસુને આક્રમક બેટિંગ કરી છે અને છેલ્લા દિવસોમાં વરસાદી આંકડાને સરભર કરી દીધા છે. ૨૦મી જૂનથી ૧૨મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઓછો વરસાદ નોંધાયો હતો. જો કે, ત્યારબાદ જોરદાર વરસાદ થયો છે. ૧૩મી જુલાઈથી ૨૦મી જુલાઈ વચ્ચેના આઠ દિવસના ગાળામાં જ ૨૫.૮ ટકા સુધીનો વરસાદ ખાબકી ગયો છે. પહેલા ૨૦મી જૂનથી ૧૨મી જુલાઈ વચ્ચેના ગાળામાં ૨૨.૮ ટકા વરસાદ થયો હતો જેની સામે છેલ્લા આઠ દિવસમાં ૨૫.૮ ટકા વરસાદ નોંધાયો છે જેથી સિઝનમાં કુલ વરસાદનો આંકડો ૪૮.૩ ટકા થઇ ગયો છે. ૨૧મી જુલાઈ  સુધી ગુજરાતમાં સિઝનનો વરસાદ ૫૧.૩ ટકા થઇ ગયો છે. વરસાદનો આંકડો ૪૨૬.૭ મીમી નોંધાઈ ગયો છે. આઈએમડીના અધિકારીઓનું કહેવું છે કે, છેલ્લા બે સપ્તાહમાં રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારો અને બંગાળના અખાતમાં સારી સિસ્ટમ સર્જાઈ છે જેથી દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ગુજરાતમાં સામાન્યરીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મહત્તમ વરસાદ પડે છે. આંકડા દર્શાવે છે કે, હજુ સારો વરસાદ થઇ શકે છે. આંકડા દર્શાવે છે કે, ગુજરાતના ૨૫૧ તાલુકાઓમાં ૧૦૦૦ મીમી વરસાદ થઇ ચુક્યો છે ત્યારે ૩૯માં ૫૦૧-૧૦૦૦ મીમી વરસાદ થયો છે.

તાલુકાઓમાં વરસાદ

        અમદાવાદ, તા. ૨૨:ગુજરાતના જુદા જુદા ભાગોમાં ૨૫૧ તાલુકાઓમાં ઉલ્લેખનીય વરસાદ થઇ ચુક્યો છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જે આંકડા જારી કરવામાં આવ્યા છે તે મુજબ તાલુકાઓમાં વરસાદ નીચે મુજબ છે.

૨૪ તાલુકા........................... ૧૦૦૦ મીમી વરસાદ

૩૯ તાલુકા.................. ૫૦૧-૧૦૦૦ મીમી વરસાદ

૮૮ તાલુકા..................... ૨૫૧-૫૦૦ મીમી વરસાદ

૫૫ તાલુકા..................... ૧૨૬-૨૫૧ મીમી વરસાદ

ગુજરાતમાં વરસાદ...

        અમદાવાદ, તા. ૨૨:ગુજરાતમાં છેલ્લા આઠ દિવસમાં સિઝનનો ૫૦ ટકા વરસાદ થઇ ચુક્યો છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જે આંકડા જારી કરવામાં આવ્યા છે તે મુજબ ક્ષેત્રવાઇઝ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ થયો તેના આંકડા નીચે મુજબ છે.

ક્ષેત્ર                      સિઝનલ વરસાદ (ટકામાં)

દક્ષિણ ગુજરાત............................................ ૬૭.૫

સૌરાષ્ટ્ર........................................................ ૫૮.૫

પૂર્વ-મધ્ય ગુજરા.............................................. ૩૮

ઉત્તર ગુજરાત.............................................. ૨૭.૫

કચ્છ............................................................... ૧૧

(9:17 pm IST)