Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

૭ વર્ષના દેવર્ષનો “અશુદ્ધ લોહી સામેના જંગ”માં વિજય : શરીરનું અશુદ્ધ લોહી લિવરમાં શુદ્ધિકરણ માટે પસાર થવાની જગ્યાએ હૃદય અને ફેફસામાં પહોંચતુ, જેથી ઓક્સિજનનું સ્તર ૬૦ થી ૭૦ રહેવા લાગ્યું : અમદાવાદ સિવિલ મેડિસિટીની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલના તબીબોએ “એડવાન્સ કી-હોલ ટેકનીક” ની મદદથી સર્જરી કરીને બાળકને પીડામુક્ત કર્યો

“કી-હોલ ટેકનીક”ની મદદથી શરીરમાં કોઇપણ જગ્યાએ “ઓપન સર્જરી કે ટાંકા” લીધા વિના જટિલ સર્જરી સરળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું : યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં પાંચ વર્ષમાં ૧૧ હજાર બાળકોએ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સારવાર લીધી

રાજકોટ તા.૨૧ જીવન માટે ઓક્સિજન (પ્રાણવાયુ)નું શું મહત્વ છે તે કોરોનાની બીજી લહેરમાં સૌને સમજાયું. હૃદય ધબકતુ રહે તો માણસ જીવંત રહે છે. પરંતુ શરીરમાં ઓક્સિજનનું પ્રમાણસર વહન પણ એટલું જ મહત્વનું છે. મહેસાણા જીલ્લાના ૭ વર્ષના દેવર્ષ પટેલના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જ અપ્રમાણસર બન્યું. સામાન્ય બાળકમાં ૯૫ ટકા થી વધુ જોવા મળતુ ઓક્સિજનનું પ્રમાણ આ બાળકમાં ૬૦ થી ૭૦ ટકા જેટલું જ રહેતું હતું. માસૂમ બાળકની આ ગંભીર સમસ્યાનો ઇલાજ ખાનગી હોસ્પિટલોમા લાખોમાં થાય એમ હતો, પરંતુ  ગુજરાત સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ અમદાવાદ સિવિલની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં વિનામૂલ્યે સંપન્ન થયો છે. 

આ ઘટનાની પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર મહેસાણા જીલ્લાના દેવર્ષના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ અપ્રમાણસર રહેતા તેના પરિવારજનો ચિંતિત રહેતા હતાં. પરિવારજનો બાળકને સ્થાનિક હોસ્પિટલમાં લઇ ગયા, સ્થાનિક તબીબોને આ સમસ્યા જટિલ લાગતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ મેડિસીટી સ્થિત યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં બાળકને રિફર કરાયું હતું. 

સામાન્યત: શરીરમાં ઓક્સિજનના સામાન્ય પ્રમાણ માટે હૃદય જવાબદાર હોય છે. હૃદયની સંરચનામાં ફેરફાર જણાય તો હૃદયના ધબકારા અને શરીરમાં ઓક્સિજનનું સ્તરમાં ફેરફાર જોવા મળે છે. યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમા બાળક આવ્યા બાદ વિવિધ રીપોર્ટ કરાવવામાં આવ્યા, જેમાં તેના હૃદયની રચના તો સામાન્ય જ જોવા મળી. દેવર્ષના હૃદયની રચના સામાન્ય હોવાથી હવે અન્ય રિપોર્ટસ કરાવવાનો નિર્ણય લેવાયો. તબીબોએ અન્ય રિપોર્ટસ કરાવતા નિદાન થયું કે *બાળકને લિવરમાં ગંભીર તકલીફ છે. જેની અસર તેના હૃદય અને ફેફસા પર અસર થઇ હતી. જેથી દેવર્ષના શરીરમાં ઓક્સિજન પ્રમાણ ઓછું રહેતું હતું.*

સમગ્ર વિગતો આપતા યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલના બાળ હૃદયરોગ વિભાગના તબીબ ડૉ. ભાવિક ચાંપાનેરી કહે છે કે, આ બાળકને *"કન્જેનાઇટલ પોર્ટો-સિસ્ટેમિક શંટ્સ (Congenital Porto-Systemic Shunts)” નામની બિમારી હતી. સામાન્યપણે અશુદ્ધ લોહીનું લિવરમાં શુદ્ધિકરણ થાય છે. લિવરમાં શુદ્ધ થયેલ લોહીનું હૃદય અને ફેફસામાં વહન થાય છે. દેવર્ષના કિસ્સામાં લિવરમાં શુદ્ધ લોહી પહોંચાડતી નળી અને હૃદયમાં શુદ્ધ લોહી પહોંચાડતી નળી વચ્ચે એબનોર્મલ જોડાણ હતુ. જેથી અશુદ્ધ થયેલું લોહી માર્ગ બદલીને હ્યદય અને ફેફસામાં પહોંચતું.જે કારણોસર ફેફસાની નળીઓ પહોંળી થવા લાગી* અને તે જ કારણોસર બાળકનું ઓક્સિજનનું પ્રમાણ ઘટવા લાગ્યું. 

બાળકને આ તમામ તકલીફોથી ઉગારવા સધન સારવાર આપવામાં ન આવે તો બાળકનું મૃત્યુ થવાની પણ સંભાવના હતી. જેથી ડોક્ટર્સની ટીમે આ બાળકનું ઓપરેશન હાથ ધર્યું. જેમાં *કી-હોલ ટેકનીકની મદદથી મેટલ ડિવાઇસનો ઉપયોગ કરીને સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.આવા કિસ્સામાં સર્જરી કર્યા બાદ આ હોલને બંધ કરવાની જરૂર પડતી હોય છે. જ્યારે ઘણાં બાળકોમાં આવા કિસ્સામાં લિવર ડેમેજ થઇ જવાથી લિવરનું પ્રત્યારોપણ કરવાની પણ ફરજ પડી શકે છે.* તમામ પરિસ્થિતિને જોતા અને અગાઉ પણ આ પ્રકારની 8 થી 10 સર્જરીના અનુભવના આધારે બાળકને નહિવત્  નુકસાન પહોચે તે માટે મેટલ ડિવાઇસનો ઉપયોગ કરીને જ આ સર્જરી હાથ ધરવામાં આવી, જે સંપૂર્ણપણે સફળ રહી છે. હાલ બાળક સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યું છે. 

આ સમગ્ર સર્જરી શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત નિ:શુલ્ક કરવામાં આવી હતી. સિવિલ મેડિસીટીની યુ.એન. મહેતા હોસ્પિટલમાં પાંચ વર્ષમાં 11 હજાર બાળકોની સારવાર સ્કુલ હેલ્થ કાર્યક્રમ હેઠળ કરવામાં આવી છે. 

 

દેવર્ષના પરિવાર જનો કહે છે કે, અમારા પરીવાર માટે ખાનગી હોસ્પિટલ્સમાં રૂ. 3 લાખની તોતિંગ રકમની ખર્ચાળ સર્જરી કરાવીને દેવર્ષને સાજો કરવો લગભગ અસંભવ હતું. રાજ્ય સરકારના સ્કુલ હેલ્થ કાર્યક્રમની મદદથી યુ.એન. મહેતા જેવી સુવિખ્યાત હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીની મદદથી દેવર્ષને કોઇપણ જાતની અન્ય પીડા વગર સર્જરી સફળતાપૂર્વક પાર પડી છે. જેમાં અમારે કોઇપણ જાતનો ખર્ચ ભોગવવો પડ્યો નથી. જે માટે અમારો સમગ્ર પરિવાર રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 

 

 

શું છે કિ-હોલ સર્જરી ?

 

કિ-હોલ સર્જરી એક એડવાન્સ ટ્રીટમેન્ટ પદ્ધતિ છે જેમાં. હાથ, પગ અથવા ગળા વાટે શરીરમાં ખામીયુક્ત ભાગ સુધી મેટલ ડિવાઇસ પહોંચાડીને હોલને પૂરવામાં આવે છે.આ પદ્ધતિમાં શરીરમાં ઓપન સર્જરી કરવી પડતી નથી. તેમજ શરીરના કોઇપણ જગ્યાએ કાપો મૂકવો પડતો નથી કે ટાંકા લેવાની જરૂરિયાત રહેતી નથી.

      --  અમિતસિંહ ચૌહાણ --

(3:35 pm IST)