Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રાજપીપળામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ધ્વારા એમ.આર.વિદ્યાલય ખાતે “મેગા લીગલ સર્વિસ કેમ્પ” યોજાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  નામદાર સુપ્રિમકોર્ટ તેમજ નાલ્સા, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, નર્મદા ધ્વારા તા.૨૩ મી ઓક્ટોબર,૨૦૨૧ શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એમ. આર.વિદ્યાલય, રાજપીપલા ખાતે એક “મેગા લીગલ સર્વિસ કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામાન્ય નાગરિકો માટે મફત અને સક્ષમ કાનૂની સહાય કેવી રીતે મેળવી શકાય તે અંગેનુ માર્ગદર્શન પુરૂ પાડવા ઉપરાંત કોર્ટ કેસને લગતા તમામ પ્રશ્નોનું નિવારણ કરવામાં આવશે. તદ્ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓલક્ષી માહિતી આ કેમ્પ ધ્વારા સંબંધિત વિભાગો ધ્વારા નાગરિકોને મળી રહે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ તેમજ જિલ્લા મહિલા અને બાળ સુરક્ષા વિભાગની કચેરી, નશાબંધી અને આબકારી વિભાગની કચેરી જેવી વિવિધ સરકારી કચેરીઓ ધ્વારા સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવશે. જેથી નર્મદા જિલ્લાના પ્રજાજનોને બહોળી સંખ્યામાં આ “મેગા લીગલ સર્વિસ કેમ્પ” નો મહત્તમ લાભ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, નર્મદા-રાજપીપલાના સચિવશ્રી જે.એ.રંગવાલા તરફથી એક અખબારી યાદીમાં જાહેર અનુરોધ કરાયો છે. ઉપરોક્ત બાબતે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તેવા લોકોએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, નર્મદાના ટેલીફોન નંબર:- ૦૨૬૪૦-૨૨૦૨૯૪ નો સંપર્ક સાધવા પણ વધુમાં જણાવાયું છે.

(11:31 am IST)