Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

મહીસાગર જીલ્લામાં દિવાળી પર્વ ટાણે જ વરસાદ વરસતા પાકને ભારે નુકસાનની ભીતિ

અમદાવાદ : મહીસાગર જીલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવી ગયો છે. બપોર સુધી સામાન્ય વાતાવરણ હતુ અને તડકો નિકળ્યો હતો. જો કે અચાનક 4 વાગ્યાની આસપાસ વાદળો ગોરંભાવા લાગ્યા હતા અને પવન ફુંકાવા લાગ્યા હતા. થોડા જ સમયમાં કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસવાનો ચાલુ થઇ ગયો હતો. પહેલા ઝરમર ચાલુ થયેલ વરસાદ ધીરે ધીરે જામી ગયો હતો. વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવી રહ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ સીઝનમાંવરસાદ ખુબ પડ્યો ઉપરાંત સમય કરતા વધારે લાંબો સમય સુધી ચોમાસુ ચાલ્યું. ચાલુ વર્ષે ગુજરાતમાં સીઝનનો 139 ટકા વરસાદ પડ્યો છે. જે 39 ટકા જેટલો વધારે છે. જેના કારણે ખેડૂતો અગાઉ જ લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. ત્યારે દિવાળી નજીક આવી પહોંચી છે અને લણણીનો ટાઇમ નજીક આવ્યો તેમ છતા પણ વરસાદ વરસતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. ખેડૂતો હવે વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યા અચાનક આજે આકાશ ગોરંભાયુ અનેવરસાદ ખાબક્યો હતો.

(5:31 pm IST)