Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

તારાપુરના મહીયારીમાં પ્રેમ લગ્નની અદાવતમાં બે પક્ષો બાખડ્યા: સામસામે પક્ષે હિંસક મારામારી: 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

તારાપુર: તાલુકાના મહિયારી ગામે આવેલી ધની તલાવડી પાસે ગઈકાલે સવારના સુમારે પ્રેમલગ્ન કરવાની બાબતે બે પક્ષો વચ્ચે હિંસક મારામારી થતાં ૬ને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. અંગે તારાપુર પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

દિપીકાબેને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીએ ઈન્દ્રીજતસિંહ સાથે પ્રેમલગ્ન કર્યા હોય તેની રીસ રાખીને મહેન્દ્રભાઈ નટુભાઈ પરમારે સવારના દશેક વાગ્યાના સુમારે તુ મારી બેનને ભગાડીને લઈ જઈ પ્રેમલગ્ન કરે છે તેમ કહીને ગમે તેવી ગાળો બોલીને ઝપાઝપી કરી માથામાં છરો માર્યો હતો. થોડીવાર બાદ જાલમસિંહ નટુભાઈ પરમારે વિજયભાઈને હાથના કાંડા ઉપર લાકડીની ઝાપોટ મારીને ઈજાઓ પહોંચાડી હતી. બન્નેનું ઉપરાણું લઈને , પ્રવિણભાઈ બચુભાઈ પરમાર તથા ભુપેન્દ્રભાઈ બચુભાઈ પરમાર પણ આવી ચઢ્યા હતા અને વિજયભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. દિપીકાબેન વચ્ચે પડતાં ઝપાઝપી દરમિયાન તેણીને પણ ડાબા હાથની પહેલી આંગણી ઉપર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ચારેય જણાં જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા.

(5:29 pm IST)