Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

અશફાકે રોહિતના નામ પર બોગસ આધારકાર્ડ બનાવ્યું

કમલેશ તિવારી હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસો : અશફાક પ્લાનિંગ મુજબ કમલેશ તિવારીની હત્યા કરવા રોહિતના નામથી તેની હિન્દુ સમાજ પાર્ટીમાં જોડાઇ ગયો

અમદાવાદ, તા.૨૧ : હિન્દુ મહાસભાના પુર્વ અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાના કેસમાં નવો ખુલાસો થયો છે. હત્યાના ગુનામાં ઝડપાયેલા અસફાક નામના આરોપીએ તેના સાથી કર્મચારીના આધારકાર્ડ સાથે છેડછાડ કરી નકલી આધારકાર્ડ બનાવ્યો હોવાની વિગતો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહી, અશફાક નામ બદલીને રોહિત સોલંકીના નામથી કમલેશ તિવારીની જ હિન્દુ સમાજ પાર્ટીમાં સુરત આઇટી સેલ વરાછા વોર્ડના પ્રચારક તરીકે એન્ટ્રી મેળવી લીધી હતી. તિવારીની હત્યા માટે તે તેના જ પક્ષમાં જોડાઇ ગયો હતો અને માટે તેણે પાર્ટીને ફંડ પણ આપ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતાં હવે એટીએસએ તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. કમલેશ તિવારી હત્યાકાંડના ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે અશફાક હજુ ફરાર છે. આરોપી અશફાકે પોતાના ફાર્મા કંપનીના કર્મચારીના આધાર કાર્ડ સાથે ચેડા કરી પોતાની તસવીર લગાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અશફાક મુંબઈની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેનેજર તરીકે સુરતમાં ફરજ બજાવી રહ્યો છે. તેની સાથે મેડિકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે રોહિત સોલંકી નામનો યુવક નોકરી કરી રહ્યો હતો.

                 રોહિત સોલંકીના આધાર કાર્ડની સાથે ચેડા કરી તેણે પોતાનો ફોટો મૂકી દીધો હતો અને તેમાં જન્મતારીખ બદલી નાખેલું આધારકાર્ડ તેના મોબાઇલમાં સેવ રાખ્યુ હતું. જેને તે હોટલમાં બતાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ ત્યાં હોટેલ દ્વારા ઓળખપત્રની હાર્ડ કોપી માંગવામાં આવી હતી. વધુમાં તેણે રોહિત સોલંકીના નામથી ફેસબુક પર નકલી એકાઉન્ટ પણ બનાવ્યું હતું. અશફાકે બોગસ આધાર કાર્ડ સહિતના બનાવટી આઇડી બનાવ્યા હોવાની વાત સામે આવતાં હવે એટીએસ અને તપાસ એજન્સીઓ દોડતી થઇ ગઇ છે. હવે તપાસમાં એવી પણ વાત સામે આવી છે કે, અશફાકે પોતાનું નામ બદલી જેની હત્યા કરાઇ તે કમલેશ તિવારીના હિન્દુ સમાજ પાર્ટી સાથે જોડાઇ ગયો હતો. હિન્દુ સમાજ પાર્ટીએ પણ તેને કટ્ટર હિન્દુ યુવાન સમજી સુરત આઈટી સેલ વરાછા વોર્ડના પ્રચારક પણ બનાવ્યો હતો. હિન્દુ સમાજ પાર્ટીએ નામ બદલી રોહિત સોલંકી બનનાર અશફાકને નિયુક્તિ પત્ર પણ આપ્યો હતો.

                ફરાર આરોપી અશફાક કમલેશ તિવારી અને ગુજરાત હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ જૈમીન બાપુ સાથે જોડાયો હતો. આ ફેસબુક એકાઉન્ટ થકી તે બંને સાથે વાતો કરતો હતો અને ધીમે ધીમે કમલેશ તિવારીની હિંદુ સમાજ પાર્ટીમાં જોડાઈ ગયો હતો. જેનો એક લેટર હાલ સામે આવ્યો છે. જેમાં તેને અભિનંદન આપતા જણાવવામાં આવ્યું છે કે સુરત આઈટી સેલ વરાછા વોર્ડના પ્રચારક પણ બનાવ્યો હતો. આ લેટર તા.૩૦મી જૂન,૨૦૧૯ નો છે. જેનાથી અંદાજ લગાવી શકાય કે, આ લોકો ઘણા સમયથી યોજનાબદ્ધ રીતે કમલેશ તિવારીની હત્યાનું કાવતરું રચી રહ્યા હતા. કમલેશ તિવારીને મળવા માટે આજ નામની ઓળખ આપી અશફાક લખનઉ ગયો હતો. કમલેશ તિવારીની પાર્ટીમાં સામેલ થવા માટે તેણે પાર્ટીને ફંડ આપ્યુ હોવાની હકીકત જાણવા મળી રહી છે, જેથી એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓએ હવે તે દિશામાં પણ તપાસનો ચક્રો ગતિમાન કર્યા છે.

(8:39 pm IST)