Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કરોડોનું બનાવટી સોનુ ધાબડવા માટે ગોલ્ડન ગેંગે વડોદરાની હોટલમાં પ્લાન ઘડેલો

૬.૨૦ કરોડનું સોનુ ૫૫ લાખમાં સોનીએ ખરીદ્યા બાદ શંકા જતા ચેક કરાવ્યું અને છેતરાઈ ગયાનો અહેસાસ થતા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સહિતના અધિકારીઓનો સંપર્ક સાધતા જ રાજ્યભરમાં દરોડા પાડી ચાર આરોપીઓને ગણતરીની કલાકોમાં દબોચી લેવાયેલાઃ વોન્ટેડ કાકુ ઉર્ફે ડોકટરે ગુજરાતભરના સોનીઓને સ્વીસની ઓરીજીનલ સોનાની બિસ્કીટોને ટક્કર મારે તેવી સોનીની બિસ્કીટો તૈયાર કરેલીઃ ગોલ્ડન ગેંગમાં એક યુવતી પણ સામેલ હોવાની શંકાઃ અનુપમસિંહ ગેહલોત, ક્રાઈમ બ્રાંચના ડીસીપી જયદીપસિંહ જાડેજા તથા પીસીબી પીઆઈ આર.સી. કાનમિયા ટીમની જાગૃતિને કારણે ગુજરાતના સોનીઓ કરોડોમાં ડૂબતા ઉગરી ગયા

દીપોત્સવી સમયે જ ગુજરાતના સોનીઓને છેતરાતા બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ક્રાઈમ બ્રાંચના ડીસીપી જયદીપસિંહ જાડેજા તથા પીસીબી ઈન્ચાર્જ આર.સી. કાનમિયા વિગેરે દ્રષ્ટિગોચર થાય છે

રાજકોટ, તા. ૨૧ :. વડોદરાના સોની અગ્રણી નરેશકુમાર મહેશ્વરીને ૬.૨૦ કરોડનું સોનુ માત્ર ૫૫ લાખમાં આપવાની લાલચ આપી વડોદરા સહિત ગુજરાતમાં સસ્તા સોનાના નામે સોની વેપારીઓને શીશામાં ઉતારવા જતા વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી ક્રાઈમ બ્રાંચ જયદીપસિંહ જાડેજા અને ખાસ કરી પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ રાજેશ કાનમિયા દ્વારા ચાર આરોપીને ઝડપી લઈ ડુપ્લીકેટ સોનાની બિસ્કીટોનો મુદ્દામાલ કબ્જે કરી આગવી ઢબે પૂછપરછ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

રાજસ્થાનના વેપારી નરેશ મહેશ્વરીને તેમના જ મિત્ર દિનેશ પટેલ, ભીખુસિંહ ઉર્ફે બાપુ અને સરદારસિંહે જ ફસાવ્યા હતા. સોની વેપારીઓને સસ્તા સોનાના નામે સ્વીસ માર્કની ઓરીજીનલ સોનાની બિસ્કીટ લાગે તે પ્રકારની બિસ્કીટો ધાબડવાનો આખો પ્લાન હિંમતનગરના કાકુ ઉર્ફે ડોકટરે ઘડયો હતો. આ બાબતે વેપારીઓને કઈ રીતે સકંજામાં લેવા ? તે માટે વડોદરાની એક હોટલમાં મીટીંગ પણ રાખવામાં આવી હતી.

પોલીસ સૂત્રોમાંથી સાંપડતા નિર્દેષ મુજબ વડોદરાના સોની નરેશકુમાર મહેશ્વરીને સસ્તુ સોનુ મળ્યા બાદ શંકા જતા પાર્સલનું વજન ઓછુ નિકળ્યુ હતું અને અન્ય સોની પાસે તપાસ કરાવતા સમગ્ર સોનુ નકલી હોવાનું બહાર આવ્યુ હતું. છેતરાયેલ વેપારીએ સોનુ આપનારને ફોન કરતા પોલીસમાં પોતાને સંપર્ક હોવાનું ગોલ્ડન ગેંગે જણાવી ફરીયાદીને જ ફસાવી દેવાની ધમકી આપી હતી અને સતત ધમકી ચાલુ રહી હતી.

દરમિયાન આરોપીએ ક્રાઈમ બ્રાંચ અને પોલીસ કમિશ્નરનો સંપર્ક સાધતા તેઓ ચોંકી ઉઠયા હતા. તમામ આરોપીઓને તાત્કાલીક ઝડપી લઈ પોતાની કાર્યવાહી આગળ વધારે તે પહેલા જ દબોચી લેવા અનુપમસિંહ ગેહલોતના આદેશ અનુસાર પીસીબી પીઆઈ આર.સી. કાનમિયા ટીમ દ્વારા વડોદરા, પાલનપુર, ઈડર, અમદાવાદ, હિંમતનગર, વિજાપુર અને દેરોલ ગામે દરોડા પાડી આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ગોલ્ડન ગેંગમાં એક યુવતી પણ સામેલ હોવાની પોલીસને શંકા છે. વડોદરામાં ગોલ્ડન ગેંગની મીટીંગ સમયે આ યુવતી સતત વોચ રાખી કોઈને મોબાઈલ દ્વારા માહિતી આપી રહી હતી. પીઆઈ આર.સી. કાનમિયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે આ બાબતની પુષ્ટિ કરવા તપાસ ચાલુ છે. તેઓએ જણાવેલ કે વેપારીને છેતરવા માટે આરોપીઓ દ્વારા બન્ટી, રોકી, વિકી એવા નામો ધારણ કર્યા હતા. આરોપીઓ જમીન દલાલના સ્વાંગમાં ગોલ્ડન ગેંગ ચલાવી રહ્યા છે.

જે આરોપી પકડાયા છે તેમા ભીખુસિંહ ઉર્ફે બાપુ (હિંમતનગર), સરદારસિંહ પરમાર (દેરોલ), ઈલ્યાસખાન અજમેરી (વડોદરા), તૌફીક રજાક (પાણપુર પાટીયા)નો સમાવેશ છે. નાસી છૂટેલા આરોપીઓમાં કાકુ ઉર્ફે ડોકટર, ઈબ્રાહીમ ઉર્ફે કબીર શાહ (કચ્છ) તથા દિનેશ પટેલ (વિજાપુર) છે. પોલીસ કાર્યવાહીમાં પીએસઆઈ આર.એસ. સોલંકી, કે.એચ. પુવાર તથા પોલીસ સ્ટાફના કિરીટભાઈ, હરીભાઈ, રાજેન્દ્રસિંહ, ઠાકોરભાઈ, ગોવિંદભાઈ, અબ્દુલ રસીદ, પરબતભાઈ, સુરેશભાઈ, નરેન્દ્રસિંહ, રાકેશભાઈ, દિપેશસિંઘ, જગદીશભાઈ, કુલદીપભાઈ, બળદેવસિંહ, મહાવીરસિંહ, રમેશભાઈ તથા મિતેશભાઈની ભૂમિકા મહત્વની રહી હતી.

(12:12 pm IST)