Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

અમદાવાદ : ભુવાની જોખમી સ્થિતિની વચ્ચે ૨૭ સુધી વર્ષા

શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો બેકાબૂઃ ભુવાની ગંભીર અને ભયજનક સ્થિતિને લઇ નાગરિકોમાં ફફડાટ : તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરે તેવી ઉગ્ર માંગણી

અમદાવાદ, તા.૨૧: શહેરમાં ચાલુ ચોમાસાની સિઝનમાં હજુ સુધી માત્ર ૧૩ ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે હજુ સુધી શહેરની માંગના કુલ વરસાદમાં લગભગ પચાસ ટકાની ઘટ છે, તેમ છતાં આટલા ઓછા વરસાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ૬૪થી વધુ ભૂવા પડી ચુક્યા હોઇ નાગરિકોમાં ડર અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. બીજીબાજુ, શહેરમાં ભુવાની જોખમી સ્થિતિ વચ્ચે તા.૨૭મી ઓગસ્ટ સુધી શહેરમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. તો, શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો પણ બેકાબૂ બનતાં નાગરિકો ચિંતાતુર બન્યા છે. શહેરમાં વિવિધ ઝોનમાં જુદા જુદા વિસ્તારોમાં જે મસમોટા ભુવાઓ અને ખાડાઓ પડી ગયા છે, તેને લઇ હવે નાગરિકો કોઇ અનિચ્છનીય ઘટના કે દુર્ઘટના ના સર્જાય તે માટે અમ્યુકો તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. બીજી તરફ શહેરમાં પાણીજન્ય રોગચાળો પણ બેકાબૂ પણ બન્યો છે. આમ તમામ રીતે જોવા જઇએ તો, ચોમાસાની સીઝનને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની જવાબદારીમાં બહુ મોટો વધારો થયો છે અને તંત્ર હવે તેને કઇ રીતે પહોંચી વળે છે, તે તેના માટે કપરી કસોટી સમાન છે. દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં આગામી તા.ર૭ ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેશે. જે દરમ્યાન ક્યારેક ક્યારેક વરસાદના ભારે ઝાપટાં પણ પડશે. આજે સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહીને વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડયા હતા. શહેરનું લઘુતમ તાપમાન ર૪.૮ ડિગ્રી સેલ્યિયસ નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન જેટલું જ હતું. શહેરમાં આગામી તા.રપ ઓગસ્ટ સુધી વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ તો આગામી તા.ર૬ અને ર૭ ઓગસ્ટ વરસાદના ભારે ઝાપટાં પડવાની આગાહી  કરાઇ છે. આ દરમ્યાન રાજ્યના મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નવસારી અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનાં કેટલાક વિસ્તારમાં આગામી તા.રર અને ર૩ ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે, અમદાવાદીઓ માટે ઠેરઠેર અચાનક પડતા ભુવા ત્રાસદાયક અને જોખમી બની રહ્યા છે. આટલા ઓછા વરસાદમાં શહેરમાં પડેલા ૬૪થી વધુ ભુવાએ અમ્યુકો તંત્રના સત્તાધીશોને માથુ ખંજવાળતા કરી દીધા છે, બીજીબાજુ, ચોમાસા દરમ્યાન પાણીજન્ય રોગચાળો બેફામ બનતા પણ ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. કમળો, ટાઇફોઇડ અને કોલેરાના કેસમાં પણ વધારો થયો છે. આની પાછળ પણ હેલ્થ અને ઇજનેર ખાતામાં સંકલનનો અભાવ હોઇ લોકોને હેરાન થવું પડે છે. અમ્યુકો તંત્રની નિષ્કાળજી અને લાપરવાહી પણ રોગચાળો બેકાબૂ બનવામાં એટલા જ જવાબદાર હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે.

(9:49 pm IST)