Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

વિદ્યાર્થિનીની સતામણીના બાદ પ્રોફેસરની અંતે થયેલી બદલી

સતામણી કેસની તપાસ વુમન્સ ગ્રીવન્સ શેલ કરશે : પ્રોફેસરને પરીક્ષાલક્ષી કામગીરીમાંથી પણ હટાવી દેવાયા

અમદાવાદ, તા.૨૧ : વડોદરાની એસએસજીની ફિઝિયોથેરાપી કોલેજના પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓને વાઇવામાં બેહુદા પ્રશ્નો પૂછીને હેરેસમેન્ટ કરનાર એનાટોમી વિભાગના પ્રોફેસર એસ.કે.નાગર પાસેથી પરીક્ષાલક્ષી કામગીરી લઇ લેવામાં આવી છે. એટલું જ નહી, વિદ્યાર્થીની સાથેના જાતીય સતામણીના આ કેસમાં તેમની જામગનર ખાતે બદલી કરાઇ હતી. સાથે સાથે સમગ્ર કેસની તપાસ હવે વુમન્સ ગ્રીવન્સ સેલને સોંપવામાં આવી છે. ફિઝિયોથેરાપી કોલેજના પહેલાં વર્ષના વિદ્યાર્થીઓના વાઇવા તા.૧૬ જુલાઇ અને ૧૭ જુલાઇએ લેવાયા હતા. આ વાઇવામાં એનાટોમી વિભાગના સિનિયર પ્રાધ્યાપક નાગરને વરણી કરાઈ હતી. વાઇવામાં વિદ્યાર્થીનીઓને બેહુદા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તારો કોઇ બોયફ્રેન્ડ છે, મારી બોડી જેવો ચાલે ? જેવા પ્રશ્નો પૂછવામાં આવતા વિદ્યાર્થીનીઓએ કોલેજના સત્તાધીશોને ફરિયાદ કરી હતી. તેમણે આક્ષેપો કર્યાં હતા કે, છોકરાઓના વાઇવા ૫ મિનિટ અને છોકરીઓમા વાઇવા ૩૦ મિનિટ લેતા હતા. આ ઉપરાંત અધ્યાપકે વાયવા પૂરા થયા પછી વિદ્યાર્થીનીઓને જણાવ્યું હતું કે, એક્સટર્નલ પરીક્ષામાં પણ હું જ આવવાનો છું. જેના પગલે વિદ્યાર્થીનીઓમાં ડર વ્યાપી ગયો હતો.  તમામ ફરીયાદો બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ એનાટોમી વિભાગના પ્રોફેસર એસ.કે.નાગરને પરીક્ષાલક્ષી કામગીરીમાંથી દૂર કરી મેડિકલ કોલેજની જ વુમન્સ ગ્રીવન્સ સેલને તપાસ સોંપી છે. જ્યાં સુધી તપાસ પૂરી ના થાય ત્યાં સુધી ડો.એસ.કે.નાગર પર પરીક્ષાલક્ષી કામગીરી પર રોક લગાવાઇ હતી. એટલું જ નહી, સત્તાવાળાઓ દ્વારા ડો. નાગરની જામનગર મેડિકલ કોલેજ ખાતે બદલી કરી દેવાઇ છે. રાજ્ય સરકારે પણ લોકલ લેવલ પર કમિટી બનાવીને આ પ્રકરણમાં જરૂરી રિપોર્ટ માંગ્યો છે, જેને લઇ હવે આ મામલે શિક્ષણજગતમાં પણ ભારે ચકચાર મચી ગઇ છે.

(9:23 pm IST)