Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

સ્ટર્લિંગમાં દર્દીના સગા અને સ્ટાફના લોકો વચ્ચે વિખવાદ

મેમનગરની સ્ટર્લિંગ વિવાદ પોલીસ સ્ટેશનમાં : બંને પક્ષની સામ-સામે પોલીસ ફરિયાદ બાદ તપાસ શરૂ

અમદાવાદ, તા.૨૧ : શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના સગા અને હોસ્પિટલના વહીવટી સ્ટાફની વચ્ચે સારવારના બિલને લઇ વિવાદ ઉભો થતા સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસે બંને પક્ષની ધમકી અંગેની ફરિયાદ લઇ વધુ તપાસ શરૂ કરી છે. વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે આવેલી સહજાનંદ અપસ્કેલ નામની સોસાયટીમાં રહેતા અને અનાજના બ્રોકર અરવિંદ મહેશ્વરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પત્ની સંગીતાબેનને પથરીની બીમારી હોવાથી તા.૧૨ જુલાઇએ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઓપરેશન વગેરેની ચર્ચા કરી ૧.૫૩ લાખ રૂપિયાના બિલની વાત થઇ હતી. બીજા દિવસે ડોક્ટર વતી એમને કોઇ વ્યક્તિએ તેમની પત્નીને રજા લઇ જતા રહો તેવું કહ્યું હતું. રૂ.૨૩,૦૦૦  લઇ અને રજા આપી દીધી હતી. જેનો કોઇ હિસાબ આપ્યા વગર કાચી પોચ આપી દીધી હતી. જેનો વિરોધ કરતા દક્ષેશભાઇ તેમજ સાઇગોન વર્ગિસ નામનો વ્યક્તિ ત્યાં આવ્યો અને ફરિયાદ કરશો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે અરવિંદભાઇએ કલેક્ટર ઓફિસ તેમજ હોસ્પિટલ સંચાલકોને ફરિયાદ કરી હતી. દરમ્યાન હોસ્પિટલ તરફથી તા.૧૯ જુલાઇએ મેલ આવ્યો કે, તમે કરેલી ફરિયાદ ખોટી છે અને ફરિયાદ પાછી ખેંચી લો નહિતર તમારા પર ખંડણી અને બ્લેકમેઇલીંગનો કેસ કરીશું. બિલિંગ કાઉન્ટર પર ડુપ્લિકેટ બિલિંગની માંગ કરતા સોમવારે બિલ લેવા આવજો તેવું કહી બહાર કાઢી મુક્યો હતો. બીજીબાજુ, હોસ્પિટલના વહીવટી વિભાગમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા સાઇગોન વર્ગિસે પણ પોલીસ ફરિયાદ કરી હતી કે, હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા દર્દી સંગીતાબેનના પતિ અરવિંદ મહેશ્વરીને બે દિવસનું ૧.૬૬ લાખનું બિલ આપ્યું હતું. તા.૧૫ જુલાઇના રોજ અરવિંદ મહેશ્વરી હોસ્પિટલમાં આવી બિલ સુધારા બાબતે દબાણ કર્યું હતું અને નિયમ મુજબ સુધારા વધારા નહીં થઇ શકે તેમ કહેતા તેઓએ બોલાચાલી કરી-ખરાબ વર્તન કર્યું હતું. ૨૦ જુલાઇએ ફરી હોસ્પિટલમાં આવી બિલમાં સેટિંગ કરી આપવાનું કહ્યું હતું. બંને પક્ષે નોંધાયેલી ફરિયાદ આધારે વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:22 pm IST)