Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

અમદાવાદની પ્રતિ‌ષ્‍ઠીત કર્ણાવતી કલબની ચૂંટણીમાં પણ રાજકીય વાતાવરણ જેવો માહોલ : બે હુમલાખોરોએ સભ્‍યની કારના કાચ તોડી હુમલાનો પ્રયાસ કર્યા : પોલીસે હુમલા ખોરોને ઝડપવા ઝાળ બીછાવી

અમદાવાદઃ અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ક્લબની ચૂંટણી આવતાંની સાથે જ તેના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ક્બલના બે સભ્યોની કાર પર આજે કરવામાં આવેલા હુમલો ક્લબના સભ્યોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. પોલીસે હુમલાખોરોને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે.

શહેરની અત્યંત પ્રતિષ્ઠિત ક્લબની ચૂંટણી પણ વિધાનસભાની ચૂંટણીની જેમ લડાતી હોય છે અને દર વર્ષે તેમાં પણ મોટા કાવાદાવા રચવામાં આવતા હોય છે. શનિવારે કર્ણાવતી કલબના બોર્ડ મેમ્બર સાથે જ એક્ટીવ મેમ્બર પેનલનાં ફાઉન્ડર રાજીવ પટેલ અને મનોજ પટેલના ઘરની બહાર ઉભેલી કારનો કાચ તોડીને બાઈક પર આવેલા અજાણ્યા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

રાજીવ પટેલ શીલજ ખાતે રહે છે. તેમની કાર પર વહેલી સવારે 9 કલાકના અરસામાં હુમલો કરવામાં આવ્યો હતો. મનોજ પટેલ શહેરના મધ્યમાં આવેલા ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહે છે. તેમણે પણ પોતાના ઘરની બહાર રોડ પર કાર પાર્ક કરી હતી, જેનો કાચ સવારે 10 કલાકની આસપાસ તોડવામાં આવ્યો હતો.

આ હુમલો કોણે કર્યો હોઈ શકે એ જાણવા માટે બંનેના ઘરની સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. સીસીટીવી ચેક કરતાં જાણવા મળ્યું કે, બંને સભ્યોની કાર પર હુમલો કરનારા તત્વો એક જ હતા. આ હુમલાખોર સિલ્વર રંગના હોન્ડા પર સવાર થઈને આવ્યા હતા. બંનેએ માથા પર કાળા રંગનું હેલમેટ પહેર્યું હતું. બાઈક ચલાવનાર વ્યક્તિએ લાલ રંગનો જ્યારે તેની પાછળ બેસનાર વ્યક્તિએ સફેદ રંગનો શર્ટ પહેર્યો હતો.

રાજીવ પટેલે સોલા પોલીસ મથક ખાતે, જ્યારે મનોજ પટેલે યુનિવર્સિટી પોલીસ મથકમાં તેમની કાર પર થયેલા હુમલા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને હુમલાખોરોને શોધી કાઢવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

(12:23 pm IST)