Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

બોર્ડ નિગમોના અધ્યક્ષો-ઉપાધ્યક્ષોને પણ હવે 'મા' યોજના હેઠળ મફત આરોગ્ય સારવાર

ગરીબ-મધ્યમ વર્ગની જેમ પ લાખ સુધીની સારવાર મેળવી શકશે

રાજકોટ, તા. ર૧ : રાજય સરકારે બોર્ડ-નિગમોમાં રાજકીય રીતે નિમણૂક પામેલા અધ્યક્ષ-ઉપાધ્યક્ષને પણ ગરીબ-મધ્યમ વર્ગ જેવી મફત સારવાર યોજનામાં આવરી લીધા છે. આરોગ્ય વિભાગે આ અંગે તા. ૧૮ જૂન ર૦૧૯ના દિવસે ઉપસચિવ એ.એ. બાદીની સહીથી પરિપત્ર બહાર પાડયો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, ગુજરાત સરકારે વર્ષ ર૦૧રથી ગરીબ રેખા હેઠળ જીવતા કુટુંબ (પાંચ વ્યકિત)ને આર્થિક રીતે ખર્ચાળ એવા ગંભીર રોગોમાં બિમારીઓ માટે કેશલેસ સારવાર મળી રહે અને રાજયમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને મદદરૂપ થવાના હેતુથી સરકારશ્રીએ મુખ્યમંત્રી અમૃતમ 'મા' યોજના અમલી કરેલ છે.મુખ્યમંત્રી અમૃત 'મા' અને મા વાત્સલ્ય યોજના હેઠળ ગરીબ રેખા હેઠળ જીવતા અને મધ્યમ વર્ગના પરિવારો જેઓ વાર્ષિક ૪.૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા હોય તેવા પરિવારો, રાજય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂંક પામેલ ફિકસ પગારના કર્મચારીઓ, માન્યતા પ્રાપ્ત પત્રકારો અને તેમના પરિવારો, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની તમામ આશા બહેનો અને તેમના પરિવારો, યુ-વીન કાર્ડ ધારકો અને તેમના પરિવારો, વાર્ષિક રૂ. ૬.૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સીટીઝનોનો સમાવેશ કરવામાં આવેલ છે. 'મા' અને 'મા વાત્સલ્ય' યોજનાના લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુજબ રૂ. પ (પાંચ) લાખ સુધીની કેશલેસ સારવાર મળવાપાત્ર છે. પુખ્ત વિચારણાને અંતે રાજયના ૭૦ (સીતેર) જાહેર સાહસોના બિન સરકારી અધ્યક્ષશ્રીઓ તથા બિન સરકારી ઉપાધ્યાક્ષશ્રીઓને 'મા' અને 'મા વાત્સલ્ય' યોજના હેઠળ સમાવેશ કરવાની આથી મંજૂરી આપવામાં આવી છે.

(11:53 am IST)