Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

યોગ એ આત્માથી પરમાત્મા સુધી લઇ જતો સંસ્કૃતિનો માર્ગ

યોગ્નોસીસ કોર ઓફ લોર પુસ્તકનું વિમોચનઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઇન્ટરનેશનલ એલાયન્સ ઓફ યોગા થેરાપિસ્ટની વેબસાઈટનું લોંચિગ કરાયું

અમદાવાદ,તા.૨૧: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું કે, યોગ આત્માથી પરમાત્મા સુધી લઈ જતો ભારતીય સંસ્કૃતિએ પ્રશસ્ત કરેલો માર્ગ છે. યોગ એ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી ચિકિત્સા પધ્ધતિ છે જેનો આજે સમગ્ર વિશ્વ સાક્ષાત્કાર કરી રહ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ઈન્ટરનેશનલ એલાયન્સ ઓફ યોગા ચિકિત્સા અંગે રાષ્ટ્રીય પરિસંવાદને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, યોગ શરીર, મન, બુધ્ધિ અને આત્માને શુભ ભાવમાં લઈ જતો અદભૂત માર્ગ છે. મુખ્યંમત્રીએ જણાવ્યું કે, અન્ય સંસ્કૃતિમાં ફકત શારીરિક ક્રિયાઓને સ્થાન છે જયારે ભારતીય સંસ્કૃતિ મનથી આત્માથી પરમાત્મા સુધીના ઐકયના અનુસંધાનનું દર્શન કરાવે છે. દૂનિયા આખી ૨૧મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહી છે તેનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથીી યોગને વૈશ્વિક સ્વિકૃતિ મળી છે અને ભારતનું માન-સન્માન યોગને લીધે વધ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ઋષિ-મુનિઓએ યોગની વિરાસત આપણને વારસામાં આપી છેે. જેના વડે સમગ્ર દૂનિયા તંદુરસ્ત અને તણાવમુક્ત બની રહી છે. સારા ભાવ અને સારા વિચાર સાથે સહઅસ્તિત્વનો સ્વીકાર કરીને સૌને સન્માન આપવાના ભાવ સાથે યોગ સુસંસ્કૃત સમાજ રચનામાં ચોક્કસ યોગદાન આપશે. તેમણે કહ્યું કે, દૂનિયાને યોગનું ધેલું લાગ્યું છે ત્યારે આજે યોજાયેલ પરિસંવાદથી યોગના નવા દ્રષ્ટિકોણનો આવવિર્ભાવ થશે અને તેના દ્વારા ધ્યાનથી સમાધિ અને સમાધિથી મોક્ષની ભારતીય સંસ્કૃતિની કલ્પના સાકાર થશે.મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યંુ કે, યોગ એ રોગ ભગાવવા સાથે સૌનેશાંતિ અને સ્થિરતાનો અનુભવ કરાવે છે. તેમણે યોગ થેરાપીસ્ટોનું મોમેન્ટો આપીને સન્માન પણ કર્યું હતું. આ પ્રસંગે એલાયન્સ ઓફ યોગ થેરાપીસ્ટ સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી બીરજુ મહારાજ, અદાણી ફાઉન્ડેશનના પ્રીતિ અદાણી, પુનીતા આર્ચાય, સંજીવ ત્રિવેદી તથા દેશભરમાંથી આવેલા યોગ થેરાપીસ્ટ ઉપસ્થિત રહ્યા હતાં.

(10:01 pm IST)