Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

અંતે ડીઆઈજી-આઈજી કક્ષાએ બઢતીઃ એસપીઓને લટકતા રખાયા

ગૃહખાતાની અનિર્ણયતા ફરી જાહેરઃ બદલીઓ ન કરવી પડે તે રીતે આઈપીએસ કક્ષાએ બઢતીઃ મનીન્દર પવાર-હિમાંશુ શુકલ-પ્રેમવિરસિંહ અને હિતેન્દ્ર ચૌધરી વિગેરેને ડીઆઈજીનો સિલેકશન ગ્રેડ અપાયો : જી.એસ. મલ્લિક, હસમુખ પટેલ, જે.કે. ભટ્ટને એડીશ્નલ ડીજી પદે બઢતીઃ ડીઆઈજી-આઈજી કક્ષાએ પ્રમોશન તો અપાયા પરંતુ મૂળ જગ્યાએ જ

રાજકોટ, તા. ૨૧ :. રાજ્ય પોલીસ તંત્રમાં લાંબા સમયથી આઈપીએસ અને જીપીએસ કક્ષાએ તોળાતી બઢતી-બદલીઓ ગાંધીનગર દ્વારા એક પછી એક બહાના આગળ ધરી થતા વિલંબના પગલે રાજ્ય સરકારે કોઈ જાતની બદલીઓ ન કરવી પડે તેવો નિર્ણય કરી અને આઈજીપી કક્ષાના સિનીયર અધિકારીઓને એડીશ્નલ ડીજીપી પદે અને ડીઆઈજીઓને આઈજીપી પદે બઢતી આપતો હુકમ કર્યો છે. ટૂંકમાં કહીએ તો એક વખત ફરીથી પોતાની અનિર્ણયતાના દર્શન કરાવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા નિકળેલી બઢતીના આ ઓર્ડરમાં જે આઈજીપીઓ તથા ડીઆઈજીઓને બઢતી આપવામાં આવી છે તેઓને મૂળ સ્થાને જ ચાલુ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત એસપી કક્ષાના સિનીયર અધિકારીઓને ડીઆઈજીનો સિલેકશન ગ્રેડ આપવામાં આવ્યો છે. આશ્ચર્યની અને નવાઈની વાત એ છે કે, એસપી કક્ષાના સિનીયર અધિકારીઓને બઢતી આપી મૂળ જગ્યાએ ચાલુ રાખી શકાય તેમ ન હોવાથી તંત્રએ આ પ્રશ્ન લટકતો રાખી દેતા ભારે નિરાશા જાગી છે. આ ઉપરાંત જીપીએસ કક્ષાએ ટોપ ટુ બોટમ અર્થાત પીએસઆઈથી લઈ ડીવાયએસપી કક્ષા સુધીની બઢતી-બદલીના મામલે પણ રાજ્ય સરકારે કોઈ નિર્ણય લેવાનું અગમ્ય કારણોસર ટાળ્યુ છે. આની સાથોસાથ એડીશ્નલ એસપીઓને રેગ્યુલર પોસ્ટીંગ આપવાનું પણ મુનાસીબ ન માનતા આશ્ચર્ય સર્જાયુ છે.

આઈજીપી કક્ષાએ જેઓને એડીશ્નલ ડીજી તરીકે બઢતી મળી છે તેમા સુરત રેન્જના આઈજીપી અને જેઓનો થોડો સમય અગાઉ કેન્દ્રમાં બીએસએફમાં ડેપ્યુટેશન પર હુકમ થયો છે તેવા જી.એસ. મલ્લિક ઉપરાંત એસીબીના હસમુખ પટેલ, અમદાવાદના એડી. પોલીસ કમિશ્નર ટ્રાફીક નિરજા ગોટરૂ અને અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચના જે.કે. ભટ્ટને એડીશ્નલ ડી.જી. તરીકે બઢતી મળી છે. જો કે તમામને બઢતી આપી મૂળ જગ્યાએ જ ચાલુ રખાયા છે.

હવે ડીઆઈજી કક્ષાએ જેમને બઢતી આપી મૂળ જગ્યાએ ચાલુ રખાવામાં આવ્યા છે તેમાં નિપૂર્ણા તોરવણે-અનારવાલા અને ડી.બી. વાઘેલાનો સમાવેશ છે.

રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લઈ સિનીયર કક્ષાના એસપી મનિન્દર પવાર (એસ.પી.-ખેડા), એટીએસના હિમાંશુ શુકલ-સીબીઆઈના રાઘવેન્દ્ર વત્સ, દાહોદના એસપી પ્રેમવીરસિંઘ, કચ્છ પશ્ચિમના એમ.એસ. ભરાડા તથા રાજકોટમાં ડીસીપી તરીકે ફરજ બજાવી ગયેલા હાલ સુરતની લાજપોર જેલમાં જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હિતેન્દ્ર ચૌધરીને ડીઆઈજીનો સિલેકશન ગ્રેડ આપવામાં આવ્યો છે.

(4:07 pm IST)