Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

વિશ્વ યોગ દિવસ

અમદાવાદ ખાતે યોજાઇ રાજ્યકક્ષાની ઉજવણીઃ હજ્જારો નાગરિકોએ કર્યું સામૂહિક યોગ નિદર્શન

યોગ સાધકોએ મેળવ્યું વડાપ્રધાનશ્રીનું વિડીયો માર્ગદર્શન: રાજ્યપાલશ્રી - મુખ્યમંત્રીશ્રી - કેન્દ્રિય કાયદા રાજ્યમંત્રીશ્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ: ભારતીય સંસ્કૃતિના પ્રતિકરૂપે વિશ્વ આખામાં યોગને સ્વીકૃતિ મળી છે: શરીરને માન સાથે-મનને આત્મા સાથે - આત્માને પરમાત્મા સાથે જોડવાનું માધ્યમ યોગ છે રાજ્યપાલ ઓ.પી. કોહલી: વિશ્વને તણાવમુક્ત બનાવી - વિશ્વ કલ્યાણ અને બન્ધુત્વભાવની આત્મિક ચેતના જગાવવાનો માર્ગ યોગ સાધનાએ બતાવ્યો છે: યોગસાધના એક દિવસ પુરતી મર્યાદિત બનાવવાને બદલે દૈનિકચર્યાનો હિસ્સો બનાવીએઃ વિજયભાઇ રૂપાણી: યોગ આપણી વૈદિક પરંપરા છે - કેન્દ્રીય કાયદા મંત્રી શ્રી પી.પી.ચૌધરી

ગાંધીનગરઃ વિશ્વ યોગ દિનની રાજ્યકક્ષાની ઉજવણી આજે અમદાવાદ ખાતે યોજાઇ હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર વિશ્વમાં ૨૧મી જુને ઉજવાતા વિશ્વ યોગ દિવસની ઉજવણીના  ઉપલક્ષ્યમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય કાયદા  રાજ્ય મંત્રીશ્રી પી.પી. ચૌધરી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી આર. સુભાષ રેડ્ડી, મેયર શ્રીમતી બિજલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા    યોગના પ્રારંભે યોગસાધકોએ વીડીયોના માધ્યમથી યોગોનું માર્ગદર્શન મેળવ્યું હતું.

રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીએ ભારતની જ્ઞાન પરંપરામાં યોગના અદભૂત પ્રદાનને આવકારતાં જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિના પ્રતિક રૂપે વિશ્વ આખામાં ઉભર્યો છે એટલું જ નહીં તેને વૈશ્વિક સ્વીકૃતિ પણ મળી છે .આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા  મળી છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. મનને શાંત કરવા યોગ એ શ્રેષ્ઠ અને સમર્થ માધ્યમ છે. સાથે સાથે યોગ શરીરને મન સાથે, મનને આત્મા સાથે અને  આત્માને પરમાત્મા સાથે જોડવાનું પણ માધ્યમ છે એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય ચિકિત્સા પદ્ધતિમાં પણ યોગનું મહત્ત્વ પ્રસ્થાપિત થયું છે અને સ્વીકારાયું પણ છે. વિશ્વ આજે જે તનાવપૂર્ણ પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યું છે ત્યારે યોગને જીવનશૈલી સાથે જોડવો તે સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વ યોગ દિવસની રાજ્ય ઉજવણીમાં સહભાગી થતા જણાવ્યું કે દુનિયાને તનાવમુક્તિ, વિશ્વ કલ્યાણ અને તે દ્વારા વિશ્વ બન્ધુત્વભાવની આત્મિક  ચેતના જગાવવાનો માર્ગ ભારતીય સનાતન સંસ્કૃતિની યોગ સાધના એ બતાવ્યો છે.

રાજ્યમાં ૭૫ લાખ નાગરિક ભાઈ બહેનો બાળકો સામુહિક યોગ સાધનામાં જોડાયા છે તેની સરાહના કરતા વિજયભાઈ રૂપાણીએ યોગ દિવસને વિશ્વ ખ્યાતિ અપાવવાનું શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને આપ્યું હતું.

તેમણે આ અવસરે આહવાન કર્યું કે સ્વસ્થ અને તંદુરસ્ત તેમજ તનાવ મુક્ત જીવન માટે સૌ કોઇ આ યોગ સાધના ને એકાદ દિવસ પૂરતી મર્યાદિત ન રાખતા પોતાની દૈનિક જીવન ચર્યા નો કાયમી હિસ્સો બનાવે.

રાજ્યપાલ શ્રી ઓ.પી કોહલી તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી પી પી ચૌધરી અને અમદાવાદ ના મેયર બીજલ પટેલ સહિત મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં યોગ પ્રેમીઓ આ વેળાએ જોડાયા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે યોગ એ ભારતની વિરાસત છે અને યોગમા  વિશ્વ કલ્યાણ- માનવતા- સંસ્કૃતિની જાળવણીનું સામર્થ્ય છે ત્યારે યોગ જ વિશ્વ આખાને તણાવમાંથી મુક્ત કરી શકશે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે શરીર મનને શાંત કરવા સામર્થ્ય એવા યોગની ક્રિયા દૈનિક જીવનનો હિસ્સો બને તે જરૂરી છે. વિશ્વ આખું તનાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે જીવે છે ત્યારે તેમાંથી બહાર આવવા યોગ એ સાચો રસ્તો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમસ્ત સમાજ શારીરિક -માનસિક રીતે વધુ સક્ષમ - સ્વસ્થ બને તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે અને એટલે જ  યુનિવર્સિટી તથા શાળા કોલેજોમાં યોગના પ્રશિક્ષણને પ્રાધાન્ય આપી તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે.

કેન્દ્રીય કાયદા રાજ્યમંત્રી શ્રી પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોગ દિવસની ઉજવણીના પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યો છે. યોગ એ આપણી વૈદિક પરંપરા છે અને વિશ્વ આખાએ તેની સ્વીકૃતિ આપી છે એ જ પુરવાર કરે છે કે આપણી પરંપરા મહાન છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી તથા મુખ્યમંત્રીશ્રીએ જે રાજ્યકક્ષાએ જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે રહેનાર ખેલમહાકુંભનાં યોગ સાધકો તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ સ્પર્ધામાં ભાગ લેનાર યુવા યોગ સાધકોને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા.

‌વિશ્વ યોગ દિનની ઉજવણીના આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવશ્રી વી.પી.પટેલ, કમિશનર શ્રી સતીશ પટેલ,મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશ કુમાર, સચિવશ્રી, ઉચ્ચ અધિકારીઓ સહિત અમદાવાદ શહેરના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

(1:43 pm IST)