News of Tuesday, 21st May 2019
અમદાવાદ, તા.૨૧ : દેશના જાણીતા ઉદ્યાગપતિ એવા અનિલ અંબાણીની કંપની અનીલ ધીરુભાઈ અંબાણી ગ્રુપે(એડીએજી) અખબાર સમૂહો, પત્રકારો અને રાજકારણીઓ સામે અમદાવાદની કોર્ટમાં કરેલા માનહાનીના કેસ પરત લેવાનો નિર્ણય કર્યો છે. એડીએજી ગ્રુપની ૪ પેટા કંપનીઓ દ્વારા કુલ ૨૮ જેટલા ડેફરમેશનના કેસ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ રણદીપ સૂરજેવાલા, કોંગ્રેસની તત્કાલીન પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદી, શકિતસિંહ ગોહિલ સહિતના નેતાઓનો સમાવેશ થતો હતો. જો કે, એડીએજી ગ્રુપના કેસો પરત ખેંચવાના નિર્ણયને લઇ કોંગ્રેસના નેતાઓ, અખબાર સમૂહો અને પત્રકારોને બહુ મોટી રાહત થશે. ભારતમાં એવું પહેલીવાર બન્યુ હતું કે, કોઈ એક કંપની દ્વારા આટલી મોટી સંખ્યામાં માનહાનીના કેસ કરવામાં આવ્યા હોય. ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સામે પણ કેસ કરવામાં આવ્યો હતો અને બે દિવસ પૂર્વે જ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપના એડવોકેટે તેમને આ બાબતે જાણ કરી હતી. આ અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અનિલ અંબાણીની કંપની મારી સામે કરેલો કેસ પરત ખેચવાની છે અને તે માટેની પ્રક્રિયા પણ શરુ કરી છે. આ અંગેની જાણકારી એડીએજીના વકીલે મારા વકીલને આપી છે. અમદાવાદની સિવિલ કોર્ટમાં અલગ અલગ લોકો સામે માનહાનીના જે દાવા એડીએજી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા છે તેની કુલ રકમ અંદાજે રૂ. ૭૨,૦૦૦ કરોડ જેવી થાય છે. આ રકમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નેટવર્થ કરતા પણ વધુ છે અને રાફેલની ડીલ કરતા ૧૦૦ ગણી વધારે છે. જો કે, અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપ દ્વારા આ તમામ કેસો પરત ખેંચવાનો નિર્ણય લેવાતાં તેમાં સામેલ સૌકોઇને મોટી રાહત થશે.