Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

વર્લ્ડ ટીબી ડે નિમિત્તે નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે અનુપમ મિશન દ્વારા ન્યુટ્રિશિયન કીટ વિતરણ કરાઇ

જિલ્લાના તમામ ટીબીનાં દર્દીઓનું અનુપમ મિશન દ્વારા ધ્યાન અપાઇ રહ્યું છે ત્યારે હાલમાં વર્લ્ડ ટીબી ડે નિમિત્તે 200 કીટ આપવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ટીબીનાં દર્દીઓનાં સ્વાસ્થ્ય માટે અનેક કાર્યક્રમો અને અન્ય લાભો પણ અપાઇ રહ્યા છે જોકે આ કાર્યક્રમો સરકાર દ્વારા આયોજિત હોય છે છતાં સ્થાનિક અધિકારી તેમાં ખાસ રસ દાખવે તો એ બાબત સફળ કહેવાય ત્યારે નર્મદા જિલ્લામાં ખાસ કરીને જિલ્લા ક્ષય અધિકારી ડો.ઝંખનાબેન વસાવા દરેક કાર્યક્રમોમાં ખાસ રસ દાખવી કાર્યક્રમો સફળ બનાવતા હોય જેમાં જિલ્લાના ટીબીનાં દર્દીઓના સ્વાસ્થય સહિતની દરેક બાબતોમાં ડો.ઝંખનાબેન વસાવાનો સિંહફાળો જોવા મળ્યો છે.

જેમાં આગામી 24 માર્ચે વર્લ્ડ ટીબી ડે હોય એ નિમિત્તે રાજપીપળા ખાતે આવેલા નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે અનુપમ મિશન સંસ્થા દ્વારા 200 ન્યુટ્રિશિયન કીટ આપવામાં આવી,જેમાં સરકારી ધારાધોરણ મુજબ તમામ વસ્તુઓ સાથે આ કીટ ટીબી નાં દર્દીઓનાં સારા સ્વાસ્થ્ય માટે આપવામાં આવી હતી આ કાર્યક્રમ માં ક્ષય અધિકારી ડો.ઝંખનાબેન વસાવા,નિલાંબરી પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન અને અનુપમ મિશન નાં સાધુ સતિષદાસજી,સાધુ મણીદાસજી,સાધુ અરવિંદદાસજી, ડો. હર્ષદ પટેલ, ડો. વનરાજસિંહ ઉપસ્થિત રહ્યા હતા.
આ તબક્કે આરોગ્ય સમિતિ ચેરમેન નિલાંબરીબેન પરમારે જણાવ્યું કે અનુપમ મિશન આપણા જિલ્લાના ટીબીનાં દર્દીઓની ચિંતા કરી કીટ વિતરણ કરવામાં સહભાગી થાય છે એ ખુબ સારી વાત છે ત્યારે આવનારા સમય માં પણ અનુપમ મિશન નર્મદા જિલ્લાના ટીબી નાં દર્દીઓ ને આ રીતે મદદરૂપ થાય તેવી આશા રાખું છું.
જ્યારે જિલ્લા ક્ષય અધિકારી ડો.ઝંખનાબેન વસાવાએ આહવાન કર્યું કે જિલ્લાના વેપારીઓ,સંસ્થાઓ કે અન્ય સેવાભાવી વ્યક્તિઓ ટીબી નાં દર્દીઓને દત્તક લે અને તેમના સ્વાસ્થ્ય માટે અપાતી કીટ સહિતની સરકારની ગાઈડ લાઈન મુજબની વસ્તુ આપી સહભાગી થાય તેવી વિનંતી કરી હતી સાથે સાથે અનુપમ મિશન આગામી વર્ષમાં પણ નર્મદા જિલ્લાના ટીબીનાં દર્દીઓને દત્તક લઈ આવી સહાય કરે તેમ વિનંતી કરી હતી

(11:08 pm IST)