Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કારમાં દેશી બનાવટની બે પિસ્તોલ તથા એક રિવોલ્વર સાથે ત્રણની અટકાયત કરી

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ભાલેજ ચોકડીએથી વેગનઆર કારમાં દેશી બનાવટની બે લોડેડ પીસ્ટલો તથા એક લોડેડ રીવોલ્વર સાથે ઝડપી પાડેલા ત્રણેય શખ્સોની પ્રાથમિક તપાસમાં છેલ્લાં ચાર-પાંચ મહિનાથી તેઓ યુપીથી હથિયારો લાવીને વેચતા હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે, જે દરમ્યાન વધુ અગ્નિશસ્ત્રો મળી આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 


પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પોલીસે ભાલેજ ચોકડી પાસે વોચ ગોઠવીને સીલ્વર કલરની વેગનઆર કાર નંબર ડીએલ-૨સી-એએ-૨૩૪૦ની ઝડપી પાડીને તેમાંથી સમીરમીંયા મહેબુબમીંયા મલેક (સામરખા, કસ્બા), અબ્દુલસમદ ઉર્ફે કાણીયો રફીકમીંયા ઠાકોર (ભાલેજ ચોકડી)તથા સદ્દામમીંયા હસનમીંયા મલેક (ભાલેજ)ને ઝડપી પાડીને તેઓની અંગજડતી કરતા સમીરમીંયા પાસેથી એક કાર્ટીઝ લોડ કરેલી પીસ્ટલ, અબ્દુલસમદ પાસેથી છ કાર્ટીઝ લોડ કરેલી દેશી રીવોલ્વર તથા સદ્દામમીંયા પાસેથી ત્રણ કાર્ટીઝ લોડ કરેલી પીસ્ટલ મળી આવી હતી. હથિયાર રાખવા અંગેનું તેઓની પાસે લાયસન્સની માંગણી કરતાં આપી શક્યા નહોતા. જેથી ત્રણેય વિરૂધ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરવામાં આવી છે. 

પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા ત્રણ પૈકી સમીરમીંયા અને અબ્દુલસમદ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેઓ અગાઉ વાહનચોરીમાં પકડાયા હતા અને જામીન પર છુટ્યા બાદ હથિયારોની હેરાફેરી ચાલુ કરી દીધી હતી. યુપીથી હથિયારો સસ્તા ભાવે લાવીને જરૂરીયાતમંદોને મોંઘા ભાવે વેચતા હતા. પોલીસે કોને-કોને, ક્યારે અને કેટલામાં, કયાં-કયાં હથિયારો વેચ્યા છે તે દિશામાં તપાસ હાથ ઘરી છે.

(8:28 pm IST)