Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આઠ બેઠકો માટે છ મહિલા સહિત ૯૨ ઉમેદવારો મેદાનમાં

ચૂંટણી ચિત્ર સ્‍પષ્‍ટ થયું... ગત ચૂંટણીમાં ૧૩૦ સામે આ વર્ષે ૩૮ ઓછા એટલે કે ૯૨ ઉમેદવારો ચૂંટણી લડશે : ભાવનગર બેઠક પર ભાજપ વિરૂધ્‍ધ આમ આદમી પાર્ટીનો જંગ થશે જ્‍યારે બાકીની તમામ ૭ બેઠકો ઉપર ભાજપ - કોંગ્રેસ વચ્‍ચે સીધો જંગ

નવી દિલ્‍હી તા. ૨૩ : ગઇકાલે ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે સાંજે ચૂંટણી ચિત્ર સ્‍પષ્ટ થયું છે. સૌરાષ્ટ્ર કચ્‍છની ૮ બેઠકો માટે હવે ૯૨ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેમાં માત્ર ભાવનગર બેઠક પર ભાજપ વિરૂધ્‍ધ આમ આદમી પાર્ટીનો જંગ થશે જયારે બાકીની તમામ ૭ બેઠકો ઉપર  ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે સીધો જંગ થશે. આમ, પ્રથમવાર ઈન્‍ડિયા ગઠબંધન ચૂંટણી લડી રહી છે અને વર્ષો બાદ ફરી સૌરાષ્ટ્રાં દ્વિપાંખિયો ચૂંટણી જંગ નિヘતિ બન્‍યો છે. ગત ચૂંટણીમાં ૧૩૦ સામે આ વર્ષે ૩૮ ઓછા એટલેકે ૯૨ ઉમેદવારો ચૂંટણી લડશે.

છેલ્લી સ્‍થિતિ મૂજબ કોંગ્રેસના ૭, ભાજપના ૮, આમ આદમી પાર્ટીના ૧, બસપાના ૮ સહિત કૂલ ૪૬ ઉમેદવારો રાજકીય પક્ષના તથા ૪૬ અપક્ષ ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે. કૂલ ૯૨ ઉમેદવારોમાં માત્ર ૬ મહિલા ઉમેદવારો છે.

ગુજરાતમાં લોકસભાની ૨૫ બેઠકોની ચૂંટણીમાં ૧૯ મહિલાઓ સાથે કુલ ૨૬૬ તેમજ વિધાનસભાની પાંચ બેઠકોમાં ૨૪ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. ઉમેદવારી પત્રોની ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાયા પછી આખરી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

આઠ બેઠકો ઉપર કૂલ ૧૪૯  ઉમેદવારોએ નિયત સમયમાં ઉમેદવારીપત્રક રજૂ કર્યા હતા જેમાં ૧૧૧ ફોર્મ માન્‍ય રહ્યા હતા અને ૨૭ ફોર્મ રદ થયા હતા. જયાં ઉમેદવારીપત્રકમાં ક્ષતિઓ સામે ફરિયાદ થઈ હતી તે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું અને અમરેલીમાં જેનીબેન ઠુમ્‍મરનું ફોર્મ  પણ માન્‍ય રહ્યું હતું.

સોમવારે રાજકોટમાં ઉમેદવારી પત્રક માટે સોગંદનામુ રૂપિયા ૩૦૦ના સ્‍ટેમ્‍પ પેપર ઉપર કરવા જિલ્લા કલેક્‍ટરે સૂચના આપી હતી જે અન્‍વયે અગાઉ તમામ ૧૪ ઉમેદવારોએ આટલી રકમના સ્‍ટેમ્‍પ જ વાપર્યા હતા. પરંતુ, ભાજપના ઉમેદવાર રૂપાલા અને ડમી ઉમેદવાર કુંડારિયાએ રૂપિયા ૫૦નું સ્‍ટેમ્‍પ વાપર્યું જે ફોર્મ રદ કરવા માંગણી કરાઈ હતી પરંતુ, આヘર્યજનક રીતે તે નકારી કઢાઈ હતી.

એટલુ જ નહીં, ફોજદારી કેસની વિગતો સહિત રૂપાલાના નામાંકનમાં ૩૨ ભૂલો કાઢીને તેની રજૂઆત કરનાર અપક્ષ ઉમેદવાર અમરદાસ બી.દેસાણીએ આજે ફોર્મ પાછુ ખેંચી લીધું છે. આ માટે તેમણે ક્ષત્રિય સમાજની લડતને સાથ આપવા ઉમેદવારી પરત ખેંચ્‍યાનું જણાવ્‍યું હતું.

(3:13 pm IST)