Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જમ્બો માળખુ-બેફામ લ્હાણી છતાં કોંગ્રેસમાં ભભૂકતો અસંતોષ!!

ભાજપના સભ્યને મંત્રી અને કરોડોના દેણામાં રહેલાને 'પટારો' સોંપાયાનો ગણગણાટઃ કેટલાય નહી સંભાળે નવા હોદાઓ :વિચાર વિભાગ મંચના પ્રમુખે પક્ષીય કામગીરી કરી બંધઃ બે મોટામાથા બાપુ-NCPના સંપર્કમાં પડશે ગાબડા

રાજકોટ તા.૨૦: પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની વરણી બાદના નવ મહિનાથી લાંબી ગડમથલ બાદ રર ઉપપ્રમુખ, ૪૩ મહામંત્રી, ૧૨ પ્રવકતા, ૧૬૯ મંત્રી, પ પ્રોટોકોલ મંત્રી, ૭ સહમંત્રી ૪૮ એકિઝકયુટીવ કમિટી મેમ્બર, ૪૧ કાયમી આમંત્રીત, ૫૪ સ્પેશ્યલ આમંત્રીત મળી કુલ ૪૦૧નું જમ્બો માળખુ જાહેર કરાયું છે જો કે વિક્રમ સર્જન નિમણૂંકો અને હોદાઓની બેફામ લ્હાણી બાદ પણ કોંગ્રેસમાં અસંતોષ ભભુકયો છે? કેટલાય મહાનુભાવો નિષ્ક્રીય બન્યા છે તો બે મોટા માથા સહિત ડઝનેક કોંગી નેતા શંકરસિંહ બાપુ અને એન.સી.પી.નો સંપર્ક શરૂ કર્યાનું મનાય છે.

રાજયમાં વર્ષોથી સતાવિમુખ રહેલી કોંગ્રેસમાં આંતરીક જુથબંધી, અસંતોષનો અગ્નિ તથા ટાંટીયાખેંચની પ્રવૃતિઓ કેમેય બંધ થવાનું નામ લેતી નથી. પ્રદેશ પ્રમુખ તરીકે યુવાન ધારાસભ્ય અમિત ચાવડાની નિમણૂંક થતા જ રાહુલ ગાંધીના નિર્ણયને આવકારાયો હતો અને કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકાશે તેવી આશા બંધાઇ હતી ત્યારબાદ યુવાન ધારાસભ્ય પરેશ ધાનાણીને વિપક્ષી નેતાપદ સોંપાતા કોંગ્રેસ નવુ કલેવર ધારણ કરશે તેવા અણવાર મળ્યા હતા પરંતુ ''ફીર વોહી રફતાર''ની જેમ સંકલનનો અભાવ, કામ નહી કરવા દેવાની જુની પરંપરા યથાવત રહેતા કોંગ્રેસમાં કોઇ સુધારો નોંધાયો ન હતો.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની વરણી સાથે તત્કાલીન રાજય પ્રભારી ત્થા કોંગ્રેસી સુત્રોએ એવી કટીબધ્ધતા દર્શાવી હતી કે ત્રણ મહિનામાં જ પ્રદેશનું નવું યુવા માળખું રચાઇ જશે. સીનીયરોનું માર્ગદર્શન મેળવાશે પરંતુ નવી બોડીના જન્મ માટે નવ-નવ મહિનાની પ્રસુતાની આકરી પીડામાંથી પસાર થયા બાદ અંતે નવા જમ્બો માળખાનો જન્મ થયો હતો તેવું વ્યંગમાં ચર્ચાય છે.

રાજકીય તજજ્ઞો એવું પણ આશ્ચર્ય વ્યકત કરી રહ્યા છે કે વિરાટ માળખાની રચના અને હોદાઓની બેફામ લ્હાણી છતાં કોંગી હાઇકમાન્ડની જુથબંધી ટાળવા મુરાદ સફળ થઇ નથી.

એમ કહેવાય છે કે નવા વરાયેલા હોદેદારોમાંથી અમુક તો સંભવત્ હોદા પણ નહિં સ્વીકારે, ઘણા એવો ગણગણાટ કરી રહ્યા છે કે આવડા વિશાળ માળખામાં હોદો મળ્યાનો આનંદ કયાંથી રહે?

પ્રદેશ કોંગ્રેસના જમ્બો માળખામાં કુલ ૪૦૧ આગેવાનોની વરણી થવા છતાં ગઇકાલે સાંજથી ધૂંધવાટ શરૂ થયો છે, કેટલાયે આગેવાનો માળખાની જાહેરાત પહેલાથી જ શંકરસિંહજી વાઘેલાની એન.સી.પી.ને મજબૂત બનાવવાના પ્રયાસો સાથે સંપર્કમાં હોવાનું મનાય છે. જેમના નામો આમંત્રીતોમાં હોવાનું મનાય છે તેવા બે મોટામાથા બાપુના સંપર્કમાં હોવાનું અને કાંઇ નવાજુની કરવાના મૂડમાં હોવાનું મનાય છે.

કોંગ્રેસમાં છાનાખૂણે એવો કચવાટ થઇ રહ્યો છે કે અમરેલી પંથકમાં એક નેતા કે જેઓ ભાજપ સાથે સંકળાયેલા છે તેમણે હજુ ભાજપ છોડી ન હોવાનું કે કોંગ્રેસમાં કયારે જોડાયા તેની કોઇને ખબર નથી. પરંતુ નવા માળખામાં તેમનું નામ મંત્રી તરીકે સામેલ થયાનું ચર્ચાય છે.

બીજી તરફ એવો પણ ગણગણાટ છે કે આર્થીક સંકડામણમાં રહેલા એક નેતાને 'પટારો' સોંપવાની વરણી થઇ રહી છે તો જે પ્રમાણે જમ્બો માળખાની જાહેરાત થઇ છે તે પ્રમાણે નવા વરાયેલા કેટલાય નેતાઓ એકબીજાને ઓળખતા પણ નથી અને કદાચ ર૦૧૯ની ચૂંટણી સુધી તો એકબીજાને ઓળખવામાં કે પરિચય કેળવવામાં જ જઇ શકે છે તેવી ચર્ચા જાગી છે.

સોશ્યલ મીડીયા પર સૌથી વધુ સક્રિય રહીને ભાજપના ખેલને ઉજાગર કરી રહેલ વિચાર વિભાગ મંચ પણ ગઇકાલે જમ્બો માળખાની જાહેરાત બાદ એકદમ શાંત થઇ ગયો છે. ગઇ સાંજથી સતત રણકતા અને ચમકતા રહેતા વિચાર વિભાગ મંચ સોશ્યલ મીડીયામાં રીતસરનો બંધ જ કરી દેવાતા પણ ચકચાર જાગી છે સીનીયર કોંગી નેતા ઉમાકાંતભાઇ માંકડ ભારે નારાજ થયા હોય વિચાર-વિભાગ મંચનું શટર પાડીને બેસી ગયાનું જાણવા મળે છે.

(3:52 pm IST)