Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ગૌરક્ષાના નામે ખંડણીનું રેકેટ : પૈસા આપો અને ગાય - ભેંસ બિન્દાસ્ત લઇ જાવ

જીવદયાના નામે ચલાવતા હતા ખંડણીનું રેકેટ : પશુઓ લઇને પસાર થતા ટ્રક પાસેથી લેતા હતા હપ્તા : હપ્તા ન આપતા કરતા મારપીટ : પોલીસમાં ટ્રક પકડાવી દેવાનું કહીને રોફ જમાવતા

અમદાવાદ તા. ૨૦ : સોમવારે સાંજે શહેરના રામોલ વિસ્તારમાં ભેંસ અને પાડા લઈ જતા ટ્રક પર કેટલાક કથિત ગૌરક્ષકો દ્વારા જીવલેણ હુમલાની ઘટના બાદ ફરી એકવાર રાજયમાં મોબ લિંચિંગ શબ્દ સાંભળવા મળ્યો હતો. જોકે પોલીસ તપાસમાં જે ખૂલ્યું તે જોઈને પોલીસ પણ ચોકી ગઈ હતી. કેટલાક લોકો ગૌ રક્ષાના નામે રીતસરનું ખંડણી રેકેટ ચલાવતા હતા અને જે કોઈ રુપિયા ન આપે તેમની વિરૂદ્ઘ જીવદયાના નામે મારધાડ કરતા હતા.

ઓઢવથી નારોલમાં વચ્ચે પશુઓની હેરાફેરી કરતા લોકો પાસેથી દર મહિને રૂ.૨૦ હજારનો હપ્તો ઉઘરાવતા ત્રણ લોકો સામે રામોલ પોલીસે ગુનો નોધી તેઓની શોધખોળ હાથ ધરી છે. રામોલમાં શનિવારે મધરાતે ટ્રકમાં પશુઓ લઈને જતા બે વ્યકિતની ટ્રક રોકીને એક યુવક છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

રામોલ પોલીસ સ્ટેશનમાં પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના વાઢણ ગામમાં રહેતા મૂસ્તફાખાન સિપાહીએ ફરિયાદ નોંધાવી છે કે તે ડીસાથી પશુઓ ભરીને ભરુચ ખાતે લઇ જવાનો ધંધો કરે છે. ટ્રકમાં વધારે પ્રમાણમાં પાડાઓની હેરાફેરી કરવામાં આવતી હોય છે અને ડીસાથી અમદાવાદ થઇને ભરુચ જતા હોય છે.

બે મહિના અગાઉ પશુઓ ભરીને જતા હતા ત્યારે ઓઢવથી નારોલ ટોલનાકા વચ્ચે પાંજરાપોળ ચાર રસ્તા પાસે મહેન્દ્રસિંહ જાડેજા અને લવજીભાઇ તથા નીલરાજ નામના ત્રણ યુવકોએ ટ્રક રોકી હતી અને છરી બતાવીને હુમલો કરવાની ધમકી આપીને કહ્યું હતું કે આ રૂટ પરથી પશુઓ ભરીને જવું હોય તો દર મહિને રૂ.૨૦ હજાર આપવા પડશે. જો રુપિયા નહી આપો તો ટ્રકો પકડીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને હાથ પગ તોડાવવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જેથી ગભરાઇને ફરિયાદીએ છેલ્લા બે મહિનામાં ત્રણેય શખ્સોને ટુકડે ટુકડે રૂ.૩૦,૧૦૦ રૂપિયા આપ્યા હતા. છેલ્લે ગત ૯ તારીખે ટ્રક રોકીને રૂ.૧૦ હજારની માંગણી કરી હતી. જો કે ફરિયાદીએ હપ્તો પછી આપવાની વાત કરતા તેઓએ જવા દીધો હતો. આ ઘટના અંગે રામોલ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોધીને તેઓની શોધખોળ હાથ ધરી છે.

(1:21 pm IST)