Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મહારાષ્‍ટ્ર ફોર્મ્‍યુલા પ્રમાણે ગુજરાતના પાટીદારોને અનામત આપી શકાય?

મહારાષ્‍ટ્ર સરકારે પછાત વર્ગ આયોગ પાસે મરાઠા સમાજ અંગે સર્વે કરાવ્‍યો હતો

મુંબઇ તા. ૨૦ : મહારાષ્ટ્રના પછાત વર્ગ પંચનો અહેવાલ પ્રાપ્ત થયા બાદ મરાઠા સમાજને સામાજિક અને આર્થિક રીતે પછાત (એસઇબીસી) કેટેગરીમાં અનામત આપવામાં આવશે તેવી જાહેરાત મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસે રવિવારે કરી હતી. તેના કારણે ગુજરાતમાં પણ પાટીદારોને અનામતની માંગ બુલંદ બની છે.

ગુજરાતમાં પણ પાટીદારોને મહારાષ્ટ્ર ફોર્મ્‍યુલા પ્રમાણે અનામત આપવી જોઈએ એવી માંગણી પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતાઓ, અન્‍ય પાટીદાર આગેવાનો તથા કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. સવાલ એ છે કે, મહારાષ્ટ્ર ફોર્મ્‍યુલા પ્રમાણે પાટીદારોને અનામત આપી શકાય તેમ છે કે નહીં?

મહારાષ્ટ્ર સરકારે પછાત વર્ગ આયોગ પાસે મરાઠા સમાજ અંગે સર્વે કરાવ્‍યો હતો. આ સર્વે પછી તેમણે ત્રણ મહત્‍વની ભલામણો કરી હતી. આ પૈકી પહેલી ભલામણ એ હતી કે, મરાઠા સમાજને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ જાહેર કરવામાં આવે છે. તેમને સરકારી અને અર્ધ સરકારી સેવામાં પૂરતું પ્રતિનિધિત્‍વ ન હોવાનું ધ્‍યાનમાં આવે છે.

બીજી ભલામણ એ છે કે, મરાઠા સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાહેર કરવાથી બંધારણની ૧૫(૪) અને ૧૬(૪) કલમ અનુસાર આ સમાજ અનામતનો લાભ લેવાને પાત્ર છે. ત્રીજી ભલામણ એ છે કે, મરાઠાઓને પછાત જાહેર કરવાથી ઉદભવેલી અપવાદાત્‍મક પરિસ્‍થિતિમાં રાજય સરકાર આવશ્‍યક નિર્ણય લઈ શકે છે.

ગુજરાતમાં સૌથી પહેલાં તો પાટીદારો અંગે આ પ્રકારનો કોઈ સર્વે કરાયો નથી તેથી સૌથી પહેલાં તો સર્વે કરાવવો પડે. એ પછી સરકાર પાટીદારોને પછાત જાહેર કરીને તેમને અનામતની જાહેરાત કરી શકે. જો કે બંધારણીય જોગવાઈ પ્રમાણે અનામતનું પ્રમાણ ૫૦ ટકાથી વધવું ના જોઈએ.

ભારતમાં જયારે પણ કોઈ પણ સમાજનાં લોકોને અનામત આપવાની જાહેરાત કરાય છે ત્‍યારે આ બંધારણીય જોગવાઈ નડે જ છે. તેના કારણે કોર્ટમાં આ અનામતની જાહેરાત ટકી શકતી નથી. આ વાત મરાઠા અનામતને પણ લાગુ પડે છે અને આ ફોર્મ્‍યુલા પ્રમાણે પાટીદારોને અનામત અપાય તો પણ તે કોર્ટમાં ટકી ના શકે.

(10:39 am IST)