Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

યુવતીને બચાવવા ગાર્ડ કુદ્યો પરંતુ બંનેના કરૂણ મોત થયા

રિવરફ્રન્ટમાં યુવતીનો આપઘાતનો મામલો : રિવરફ્રન્ટમાં આપઘાતનો પ્રયાસ કરનાર અન્ય બચી ગઈ

અમદાવાદ, તા.૨૦ : અમદાવાદ શહેરના સુભાષબ્રીજ પાસે સાબરમતી રિવરફ્રન્ટ ગાર્ડન તરફ એક યુવતીએ સાબરમતી નદીમાં પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રિવરફ્રન્ટ પર હાજર સિકયોરીટી ગાર્ડ યુવતીને નદીમાં પડતૂ મૂકતાં જોઈ જતાં તેને બચાવવા માટે તે પણ નદીમાં પડ્યો હતો. જો કે, બંને નદીમાં ડૂબવા લાગ્યા હતા. ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવતા તેઓ પહોંચે ત્યાં સુધીમાં બંનેના ડૂબી જવાથી મોત થયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ફાયરબ્રિગેડની ટીમ બંનેની લાશ બહાર કાઢતી હતી ત્યારે ૧૦૦ મીટર દૂર અન્ય એક યુવતીએ પણ સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પરથી નદીમાં પડતું મુક્યુ હતું. જેને બચાવવા માટે એક યુવક નદીમાં પડ્યો હતો.

                 ફાયરની ટીમ નજીકમાં જ હોવાથી તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને બંને યુવક-યુવતીને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આમ, આજે સાબરમતી નદીમાં બે યુવતીઓએ એક પછી એક એમ ઝંપલાવ્યું હતું, જેમાંથી એક યુવતીનું નદીના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજયુ હતુ, તો બીજી યુવતીને બચાવી લેવાઇ હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને યુવતી અને સિકયોરીટી ગાર્ડના મોતને લઇ સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

(9:42 pm IST)