Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં સતાની બેશરમ ખેંચતાણ મહિલા સભ્યના કપડા ફાટ્યા

મહિલા સભ્ય વિનિતાબેન રાઠવાને પોતના પક્ષમાં લેવા ભાજપ કોંગ્રેસનું વરવું પ્રદર્શન

છોટાઉદેપુર જીલ્લાની બોડેલી તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં સતા માટે શરમજનક ખેંચતાણ સર્જાઈ હતી સતા માટે મહિલા સભ્યની ખેંચતાણમાં જાહેરમાં મહિલા સભ્યના વસ્ત્રો ફાટયા છે.

બોડેલી તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પાસે સરખે સરખા 13 - 13 સભ્યો હોવાથી સત્તા માટે એક સભ્યને પોતાના પક્ષમાં લાવવા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોએ ભારે ધમપછાળા કર્યા હતાં,આજે મતદાનના દિવસે કોંગ્રેસની મહિલા સભ્ય વિનિતાબેન રાઠવાને ભાજપે તોડજોડની રાજનીતિ કરી પોતાના પક્ષમાં કરી લીધા હતા.

 ચુંટણી સમયે સભાખંડમાં ભાજપના સભ્યો સાથે કોંગ્રેસની આ મહિલા આવવાની હોવાનું કોંગ્રેસીઓને ખબર પડતાં મતદાન ખંડમા પ્રવેશતાની સાથે જ મહિલા સભ્ય વિનિતાને પોતાને પક્ષમાં લેવા માટે બન્ને રાજકીય પક્ષના પ્રતિનિધિઓએ વિનિતાબેનની ખેંચતાણ શરૂ કરી જે દ્રશ્યો સર્જાયા તે લોકશાહીનું ચિરહરણ સમાન હતા

 રાજકીય પક્ષનાં પ્રતિનિધિઓએ મહિલાની ઈજ્જતનો પણ ખ્યાલ ના કર્યો અને ખેંચતાણમાં જાહેરમાં મહિલા સભ્યનો બ્લાઉઝ ફાડી નાખ્યો. મતદાનના સભાખંડમાં ચુંટણી અધિકારી અને પોલીસ કાફલાની હાજરીમાં આ હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો.

  કોંગ્રેસના મેન્ડેડ ઉપર ચૂંટાયા બાદ આ મહિલા સભ્યએ ભાજપ સાથે હાથ મિલાવી લીધો હતો અને પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણીમાં પોતાનો મત આપવા જ્યારે પોતાનો હાથ ઉંચો કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તેની આસપાસ બેઠેલી કોંગ્રેસની મહિલા સભ્યો રીતસર તેનો હાથ પકડી નીચે કરી રહ્યા હતા, સતત એક કલાક સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ પૂર્ણ થયેલ મતદાન પ્રક્રિયા બાદ કોંગ્રેસની મહિલા સભ્યના ટેકાથી ભાજપ સત્તા મેળવવામાં સફળ રહી હતી.

(7:41 pm IST)