Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સ્કૂલના ટ્રસ્ટીને પત્ની-પ્રેમીએ જ હત્યા કરી દેતાં સનસનાટી

પ્રણયસંબંધમાં આડખીલીરૂપ અંજામ : પ્રેમીએ તેના મિત્રની મદદથી ટ્રસ્ટીની છરીઓના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશ સળગાવી દીધી : ત્રણ ધરપકડ થઇ

અમદાવાદ,તા.૨૦ : શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા અને નરોડામાં આવેલી વિવેકાનંદ સ્કૂલના ટ્રસ્ટીની પત્ની અને તેના પ્રેમી વચ્ચેના પ્રણયસંબંધમાં આડખીલીરૂપ બનનાર સ્કૂલ ટ્રસ્ટીને ખુદ તેની જ પત્ની અને પ્રેમીએ ખતરનાક પ્લાન બનાવી બેરહમીથી હત્યા કર્યા બાદ તેની લાશને સળગાવી દઇ ફેંકી દેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ચકચારભર્યા આ ગુનામાં વિવેકાનંદ પોલીસે મૃતક ટ્રસ્ટીની આરોપી પત્ની, તેના પ્રેમી અને હત્યાના કાવતરામાં મદદગારી કરનાર પ્રેમીના મિત્રની ધરપકડ કરી સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સનસનીખેજ એવા આ કેસની વિગતો એવી છે કે, ગઇકાલે હાથીજણ ખારી કેનાલના પુલ નીચેથી એક વ્યકિતની સળગેલી હાલતમાં લાશ પડી હોવાના સમાચાર અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસને મળ્યા હતા. લાશના સમાચાર મળતાંની સાથે જ વિવેકાનંદનગર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. લાશ એ હદે સળગી ગઇ હતી કે મરનાર કોણ છે તેની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ હતી. પોલીસ આખો દિવસ લાશની ઓળખ કરવા માટે મથામણમાં હતી ત્યારે એક યુવક પોલીસની મદદ કરવા માટે પોલીસ સ્ટેશન આવી ચઢ્યો હતો. પોલીસ સ્ટેશન આવેલા યુવકે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.એસ.અસારીને હત્યાના આરોપીઓ તેની પાસે મદદ માગવા માટે આવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. યુવકે પીએસઆઇને જણાવ્યું હતું કે, સોમવારની રાતે અર્બુદાનગર ઓઢવમાંં રહેતો નીતિન નામનો યુવક તેના ઘરે આવ્યો હતો અને અમે હત્યા કરીને આવ્યા છીએ. તેને છુપાવવા માટે જગ્યા આપવાની વાત કરી હતી. યુવકે સાથ આપવાનો ઇન્કાર કરી દેતાં નીતિન જતો રહ્યો હતો. નીતિનનો નંબર યુવક પાસે હતો. પોલીસને વધુ એક બાતમી મળી હતી કે નીતિનને હાથમાં છરી વાગી છે અને તે નિકોલ વિસ્તારમાં સારવાર લઇ રહ્યો હતો. પોલીસ નિકોલ પહોંચે તે પહેલાં નીતિન સારવાર લઇને તેના ઘરે જવા માટે નીકળી ગયો હતો. પોલીસ પાસે નીતિનના ઘરનું સરનામું હોવાથી તે પહેલેથી ત્યાં પહોંચી ગઇ હતી. નીતિન રિક્ષામાં તેના ઘરે આવ્યો ત્યારે તરત જ તેને પોલીસે તેને દબોચી લીધો હતો અને તેની આકરી પૂછપરછ કરતાં તેણે અંતે હત્યા કરી હોવાની કબુલાત કરી લીધી હતી. આ મામલે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.એસ.અસારીએ જણાવ્યું હતું કે, ૨૨ વર્ષીય નીતિન ઓઢવ વિસ્તારમાં આવેલ અર્બુદાનગરમાં તેનાં માતા પિતા સાથે ભાડાનાં મકાનમાં રહે છે અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. નીતિન મરાઠીએ કબુલાત કરી છે કે તેની પડોશમાં રહેતી ૩૫ વર્ષીય રેખા નામની પરિણીત યુવતી સાથે તેના પ્રેમ સંબધ હતા. રેખા તેના પતિ હરેશભાઇ અને બે બાળકો સાથે છેલ્લા ઘણા સમયથી રહે છે. હરેશભાઇ નરોડા વિસ્તારમાં આવેલી વિવેકાનંદ સ્કૂલના ટ્રસ્ટી હોવાથી વ્યસ્ત રહેતા હતા. દરમિયાન, રેખાને નીતિન સાથે દોસ્તી થઇ હતી. એક વર્ષ પહેલાં રેખા અને નીતિનની દોસ્તી પ્રેમમાં બદલાતાં તેઓએ થોડાક દિવસો પહેલાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બંને લગ્ન કરે તો અડચણરૂપ થાય એવા હરેશભાઇનો કાંટો કાયમ માટે કાઢવા નીતિન અને રેખાએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તેણે તેના મિત્ર દર્શિલ પંડ્યાની મદદ માગી. પ્લાન અનુસાર નીતિને હરેશભાઇ સાથે દારૂની પાર્ટી કરવા માટે હાથીજણ ખારી કેનાલ બ્રિજ નીચેનું સ્થળ નક્કી કર્યું હતું. બંને જણા બાઇક લઇને હાથીજણ જવા માટે નીકળ્યા. નીતિન પાસે એક બેગ હતી. જેમાં દારૂની બોટલ, છરી અને મરચાંની ભૂકી હતી. રસ્તામાં નીતિને તેના મિત્ર દર્શિલને પણ સાથે લઇ લીધો અને ત્રણેય જણા બ્રિજની નીચે પહોંચ્યા. ત્રણેય જણાએ પાર્ટી શરૂ કરીને થોડાક સમય પછી નીતિને હરેશભાઇની છાતીમાં એક છરીનો ઘા ઝીંકી દીધો. હરેશભાઇ જમીન પર ઢળી પડતાં નીતિને તેમની પર ઉપરાછાપરી પથ્થરો મારીને મોં છૂંદી નાખ્યું અને પીઠ પર ઉપરાછાપરી ૨૫ થી વધુ છરીના ઘા ઝીંકી દીધા. હરેશભાઇનું મોત થતાં નીતિને બાઇકમાંથી પેટ્રોલ કાઢ્યું અને તેમની લાશ પર છાંટીને સળગાવી દીધી હતી. વિવેકાનંદ નગર પોલીસે આ મામલે નીતિન, રેખા તેમજ દર્શિલની ધરપકડ કરી હતી. હરેશભાઇની હત્યા કરવા માટે નીતિન રેખા સાથે પ્લાન બનાવીને ચોટીલા ગયો હતો. જ્યાં તેણે એક દુકાનમાંથી ધારદાર છરી ખરીદી હતી.

(7:38 pm IST)