Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અમદાવાદમાં તંત્રનો અભાવ: વરસાદ પહેલા પ્રિમોન્સુન એક્શન પ્લાન કાગળ ઉપર ધોવાઈ ગયો

અમદાવાદ:મ્યુનિ.ના અધિકારીઓ-એન્જિનિયરો દ્વારા તૈયાર કરેલાં પ્રિમોન્સુન એકશન પ્લાન અંગે આજે મળેલી ત્રીજી બેઠકમાં એકની એક બાબતની ફરી ફરીને ચર્ચા થઇ હતી. અગાઉ વિદાઇ લેતાં મેયરે બોલાવેલી પ્રિ-મોન્સુનની બેઠક બાદ તેની સમીક્ષા ધારાસભ્યોની સંકલન સમિતિમાં થઇ હતી. બાદમાં હવે મેયર સહિતના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્લાનને સમજવા નવેસરથી મીટીંગ બોલાવી હતી. આમ તો શહેરીજનોને પૂર્વઅનુભવ છે જ કે પહેલાં વરસાદે જ પ્રિમોન્સુન એકશન પ્લાન કાગળ ઉપર જ ધોવાઇ જાય છે. બીજી તરફ અગાઉનાં વર્ષોમાં રૃા. ૭૫૦ કરોડના ખર્ચે નખાયેલી સ્ટોર્મવોટર ડ્રેનેજ વરસાદી પાણીને નહીં કે જળસ્ત્રોત સુધી પહોંચાડવાના હેતુથી નખાયેલી ચોખ્ખા પાણીની ગટરની યોગ્ય દેખરેખ રખાઇ ના હોવાથી ૭૫૦ કરોડ ગટર થઇ ગયા છે. ઘરેલું અને કોમર્શીયલ સેન્ટરોની ગંદા પાણીની ગટરોના સંખ્યાબંધ જોડાણો એન્જિનિયરીંગ ખાતાની મીઠી નજર તળે થઇ ગયા છે. જેના કારણે ગંદા પાણીની ગટર અને વરસાદી પાણીની ગટર વચ્ચે કોઇ ભેદ જ રહ્યો નથી. પ્રિમોન્સુન એકશન પ્લાનની મીટીંગો મળવા ખાતર વિધીવિધાનની જેમ મળે છે, પણ આવી નક્કર બાબતો અંગે કોઇ જ પ્રશ્ન ઊઠાવતું નથી. સ્ટ્રોર્મવોટર ડ્રેનેજમાં પણ ગંદુ પાણી જ જતું હોવાથી નદી અને તળાવોના જળસ્ત્રોતોની સ્થિતિ વધુ બેહાલ થાય છે.
 

(6:40 pm IST)