Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

કતલખાનાને લીધે 'બર્ડહીટ'ના બનાવોઃ ગીધ સહિતના પક્ષીઓ મંડરાય છે

વિમાનમાં મુસાફરી કરતા યાત્રીઓને અકસ્માતનું જોખમ

રાજકોટ તા. ૨૦ : અમદાવાદ એરપોર્ટનો રન-વે સાડા ત્રણ કિ.મી લાંબો છે (૩૬૦૦ મીટર) તેની આસપાસ મોટાભાગે રહેઠાણવાળો વિસ્તાર છે. અન્ય આસપાસ માર્કેટમાં ખુલ્લેઆમ માંસ-મચ્છીની દુકાનો ધમધમી રહી હોવાથી એરપોર્ટ પર ફરીથી બર્ડહિટની ઘટનાઓ વધી રહી છે. જેથી વિમાનને ગમે ત્યારે મોટો અકસ્માત થઇ શકે છે અને મુસાફરોના જીવ જોખમમાં મુકી શકે છે. અગાઉ પણ બર્ડહિટની ઘટના થવાનું કારણ સ્લોટર હાઉસ હતા. જેને એરપોર્ટ અને મ્યુનિ.તંત્રએ આખી ઝુંબેશ શરૂ કરી હતી, જે હાલમાં સુરસુસરીયુ થઇ જતા અધિકારીઓની ગંભીર બેદરકારી છતી થઇ હોવાનું પ્રસિધ્ધ થયું છે.

અમદાવાદ એરપોર્ટના રન-વેની આસપાસ કુબેરનગર અને સરદારનગરના રહેતા લોકો ખાઇને એંઠવાડ ફેંકતા હોય છે. આ ઉપરાંત આસપાસ માંસ-મચ્છીની દુકાનો અને ઇંડાની લારીઓ પણ મોડીરાત સુધી ચાલી રહી છે જે લોકો નોનવેજનો ગાર્બેજ રન-વેની આસપાસ જ ફેંકતા હોય છે જેને આરોગવા માટે પક્ષીઓનું ટોળુ સતત રન-વેની આસપાસ મંડરાતુ હોય છે ખાસ કરીને સવારના સમયે પક્ષીઓ વધુ આવતા હોય છે. થોડા વર્ષો પહેલા બર્ડહિટની ઘટનાઓ વધી જતા ઓથોરિટીમાં દોડધામ મચી ગઇ હતી. જયાં મ્યુનિ. અને એરપોર્ટ ઓથોરિટીએ સંયુકત્ત્। કામગીરી કરી હતી.

મ્યુનિ.એ સપાટો બોલાવી આસપાસ માંસ-મચ્છીની દુકાનો બંધ કરાવી હતી. વિમાનને બર્ડહિટ થતુ અટકાવવા માટે ઓથોરિટીએ પણ કચરો જયાં-ત્યાં ન ફેંકવાની જહેરાતોના બોર્ડ લગાવી સ્થાનિક રહેતા લોકોને જાગ્રૃત કર્યા હતા.

આ ઉપરાંત સ્થાનિક હોટલોને પણ કચરો કચરાપેટીમાં જ નાંખવાની કડક સુચનાઓ જારી કરી હતી. ખુદ ઓથોરિટીએ પણ સ્વીકાર્યુ હતુ કે બર્ડહિટ આસપાસ માંસ-મચ્છીની દુકાનોને ધમધમતી હોવાથી તેઓ રાતે એંઠવાડ જાહેર રોડ પર ફેંકતા હોય છે જેનેખાવા માટે પક્ષીઓ આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓથોરિટી અને મ્યુનિ.તંત્રના અધિકારીઓએ આ કામગીરી સદંતર બંધ કરી દીધી હોવાથી પુનઃ બર્ડહિટ થવાનું શરૂ થઇ ગયુ છે. આમ અધિકારીઓ ફરીથી બર્ડહિટની ઘટનાઓને અટકાવવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે. જે ગમે ત્યારે વિમાનને મોટો અકસ્માત સર્જાઇ શકે છે.

અમદાવાદ એરપોર્ટ દેશમાં ચોથા નંબર પર બર્ડહિટ માટે અતિ સંદેશનશીલ ગણાય છે તેમ છતાં એરપોર્ટ પર બર્ડહિટ માટે વર્ષો જૂની સિસ્ટમ યથાવત છે. હાલમાં ફલાઇટને ટેકઓફ-લેન્ડીંગ પહેલા જ રન-વે પર ક્રેકર્સ ટીમ દ્વારા ૫૫૫ બોમ્બ ફોડી તેમજ લેઝર ગન તેમજ વન-શોટ ગનના અવાજની પક્ષીઓ ભગાડવામાં આવી રહ્યા છે.

વિદેશના એરપોર્ટ પર જે પક્ષીઓ વધુ રન-વે પર આવતા હોય તેમન અવાજ કરતુ મશીન રન-વે પર ઇન્સ્લોટ કરેલુ હોય છે જેથી પક્ષીઓ તેના અવાજથી આવે જ નહી,આમ ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર હજું બર્ડહિટ માટે કોઇ નવી સિસ્ટમ ઇસ્ટોલ કરવામાં અધિકારીઓને કોઇ રસ નથી.

(12:51 pm IST)