Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

વિરમગામ તાલુકા પંચાયતમાં ભાજપના અસંતુષ્ટ જુથે બળવો કરી સત્તા મેળવી

ભાજપના સભ્યોમાં પ્રવર્તતો અસંતોષ બહાર આવ્યો : અસંતુષ્ટોએ ભાજપની આબરૂ લીધી

અમદાવાદ તા. ૨૦ : અમદાવાદ જિલ્લામાં વિરમગામ તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારોને કારમી હાર આપીને ભાજપના જ અસંતુષ્ટ જુથે તેમના ઉમેદવાર ઉભા રાખીને ચૂંટણી જીતીને તાલુકા પંચાયતની સત્તા કબજે કરી લેતા જિલ્લા ભાજપમાં સોપો પડી ગયો છે.

ભાજપ પક્ષે મેન્ડેડ આપીને પ્રમુખ પદ માટે મોરી ભગવતીબહેન લક્ષ્મણભાઇ અને ઉપપ્રમુખ પદ માટે ભરવાડ મફાભાઇ હમીરભાઇને ઉમેદવારી ફોર્મ ભરાવ્યા હતા. પરંતુ ભાજપના અસંતુષ્ટ જુથે પક્ષના મેન્ડેડની ઉપરવટ જઇને પ્રમુખ પદ માટે કમરૂદ્દીન સીદાણી અને ઉપપ્રમુખપદ માટે માધવીબહેન પટેલનેેે ઉમેદવારી ફોર્મ ભરાવ્યા હતા.

જેમાં યોજાયેલી ચૂંટણીમાં તા.પં.ના કુલ ૨૦ સભ્યોમાંથી ૧૧ સભ્યોએ અસંતુષ્ટ જુથના ઉમેદવારોને મત આપ્યા હતા. જયારે ૯ સભ્યોએ ભાજપના સત્તાવાર ઉમેદવારને મત આપ્યા હતા. કોંગ્રેસના ૪ સભ્યોમાંથી એક સભ્યે ભાજપના અસંતુષ્ટ જુથ તરફી અને બીજા ૩ સભ્યોએ ભાજપના સત્તાવાર ઉમેદવાર તરફી મત આપ્યો હતો.

(12:45 pm IST)