Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

વરસાદ પાછો ખેંચાયો, હજુ એક સપ્તાહ સુધી કોઈ એંધાણ નથી

હજુ એક સપ્તાહ પાછું ખેંચાયું ચોમાસુ નૈઋત્યનું ચોમાસુ આગળ વધતું અટકયું વરસાદ પાછોતરો ખેંચાતા ગરમીમાં વધારો

અમદાવાદ, તા.૨૦: રાજયમાં લોકોને ગરમીથી છૂટકારો મેળવવા હજુ વધુ રાહ જોવી પડશે. ભારતીય હવામાન ખાતાના અધિકારીઓએ વધુ એકવાર નવી આગાહી કરતા જણાવ્યું કે 'ખાસ કરીને મધ્ય અને ઉત્ત્।ર ગુજરાતમાં ચોમાસુ ખેંચાય તેવી શકયતા પ્રબળ બની છે. કેમ કે આગમી પાંચ દિવસ સુધી એવી કોઈ સીસસ્ટમ સક્રિય થવાની શકયતા નહીંવત્ છે જેના કારણે વરસાદ પડે. તો આ સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્ત્।ર ગુજરાતમાં ગરમીનો પારો પણ ૪૦ ડિગ્રી ઉપર રહેશે જેના કારણે હજુ પણ થોડા દિવસ લોકોને ગરમીનો સામનો કરવો પડશે.'

ભારતીય હવામાન વિભાગના ગુજરાત પ્રદેશના ડિરેકટર જયંત સરકારે કહ્યું કે, આગામી પાંચ દિવસમાં વરસાદ આવે તે માટે કોઈ યોગ્ય સીસ્ટમ તૈયાર થઈ નથી. જયારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કદાચ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પરંતુ સરેરાશ સમગ્ર રાજયમાં વાતવરણ હજુ પણ સૂકું જ રહેશે. હા એ વાત બરાબર કે વરસાદ આ વખતે વહેલો આવવાનો હતો જેમાં મોડું થયું છે. પરંતુ તેને બિલકુલ અણધાર્યું ન કહી શકાય આમ પણ ગુજરાતમાં વરસાદ જૂન મહિનાના અંતમાં જ આવે છે.

તેમણે વધુમાં કહ્યું કે, 'વરસાદ પાછોતરો ખેંચાતા આગામી થોડા દિવસ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે.' જયારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ૧૮ જૂનના રોજ રાજયના કેટલાક ભાગમાં આવેલ વરસાદમાં સુરત અને વલસાડમાં ક્રમાનુસાર ૮.૪mm અને ૭mm વરસાદ નોંધાયો છે. જયારે મહુવા, ઓખા અને વેરાવળમાં ક્રમાનુસાર ૩.૨, ૦.૫ અને ૦.૨ એમએમ જેટલો વરસાદ નોંધાયો છે.

આ પહેલાના વર્ષો પર નજર નાખવામાં આવે તો ૨૦૧૬માં પહેલો વરસાદ ૨૧ જૂનના રોજ નોંધાયો હતો. જયારે ૨૦૧૫માં  ૧૯ જૂનના રોજ પહેલો વરસાદ આવ્યો હતો. રાજયમાં પરંપરાગત રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા વરસાદની શરુઆત થાય છે ત્યાર બાદ અન્ય વિસ્તારોમાં વરસાદ આગળ વધે છે.

(12:01 pm IST)