Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ભરૂચ જિલ્લા પંચાયતના નવા પ્રમુખની નિમણુંકથી કોંગ્રેસ છાવણીમાં બળવોઃ જશુબેન પઢિયારને રિપીટ કરાતા ઇન્‍દ્રસિંહ પરમારે બંડ પોકાર્યો

ભરૂચઃ ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે જશુબેન પઢિયારની ટર્મ પુરી થતાં આગામી અઢિ વર્ષ માટેના નવા પ્રમુખની ચુંટણીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં આજ રોજ ફોર્મ ભરવાનો દિવસ હતો. કોંગ્રેસ અને જે.ડી.યુના ગઠબંધના મોવડી મંડળે જશુબેન પઢીયારને પ્રમુખ તરીકે રીપીટ કરવાનો નિર્ણય કરતાં જ કોંગ્રેસ છાવણીમાં બળવો ઉભો થયો છે. જશુબેન પઢીયારને રીપીટ કરવા સામે કોંગ્રેસના અન્ય સભ્યોમાં સ્પષ્ટ નારાજગી જોવા મળી હતી.

તો બીજી તરફ કોંગ્રેસના નિર્ણયથી નારાજ થયેલા સભ્ય ઇન્દ્રસિંહ પરમારે બંડ પોકારી પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવતા જિલ્લા પંચાયત પ્રમુખ પદની ચુંટણી રોમાંચક બની છે. કોંગ્રેસના જ સભ્ય ઇન્દ્રસિંહ પરમારે પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવતા જ કોંગ્રેસ છાવણીમાં ખળભળાટ ઉભો થયો છે. ઇન્દ્રસિંહ પરમારને મનાવવા માટે કોંગ્રેસના આગેવાનોએ એડીચોટીનું જોર લગાવ્યું છે તો બીજી તરફ ઇંન્દ્રસિંહ પરમારે જો મહિલા ઉમેદવારને જ પ્રમુખ તરીકે રાખવી હોઇ તો બીજી કોઇ મહિલા સભ્યને રાખી શકાય. જશુબેન પઢીયારને જ રીપીટ શા માટે ? આવો પ્રશ્ન ઉઠાવી તેમની ઉમેદવારી કાયમ રહેશે તેવા સ્પષ્ટ સંકેત આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપામાંથી એક પણ સભ્યે ઉમેદવારી નોંધાવી નથી અને તેવા સંજોગોમાં જિલ્લા પંચાયત પ્રમુખ તરીકેની ચુંટણીમાં જો મતદાન થાય તો ભારતિય જનતાપાર્ટી અને કોંગ્રેસના સભ્યો ઇન્દ્રસિંહ પરમારની તરફેણમાં જો મતદાન કરે તો પ્રમુખ તરીકે ઇન્દ્રસિંહ પરમાર ચુ6તાઇ શકે છે. જો કે ઇન્દ્રસિંહ પરમારે તેમની સાથે કેટલા સભ્યો છે તે જણાવ્યું નથી.

(7:53 pm IST)