Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

૨૦૧૫ રાયોટીંગ કેસ

હાર્દિક ચૂંટણી લડી શકશે કે નહિ ? હાઇકોર્ટના નિર્ણય તરફ મીટ : મામલો સુપ્રિમમાં જવાની શકયતા

હાર્દિકને ડર છે કે ગુજરાત સરકાર સમય કાઢશે તેથી તે સુપ્રિમ કોર્ટમાં જવા વિચારે છે

અમદાવાદ તા. ૧૯ : કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ ચૂંટણી લડશે કે નહિ તેનો બધો આધાર હવે હાઇકોર્ટના ચુકાદા ઉપર નિર્ભર છે. ૨૦૧૫ના રાયોટીંગ કેસમાં જો ગુજરાત સરકાર ૨૬મી માર્ચની સુનાવણી દરમિયાન જો વધુ સમય માંગશે તો હાર્દિક પટેલ સુપ્રિમ કોર્ટમાં જશે. આ કેસ વિલંબમાં પડશે તો ચૂંટણીમાં ઉભા રહેવાના તેના ઇરાદા ઉપર પાણી ફરી વળશે.

પાટીદાર અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે હવે ચૂંટણી લડવાના કોર્ટના ચુકાદા માટે વધુ લાંબો સમય રાહ જોવી પડશે. ગુજરાત હાઈકોર્ટે રમખાણના કેસમાં તેની સામે કાર્યવાહી પર સ્ટે માંગતી પીટિશન પર સુનવણી એક અઠવાડિયું પાછળ ઠેલી છે. રાજય સરકારે પટેલની પીટિશનનો વિરોધ કરવા માટે વધુ દસ્તાવેજો ભેગા કરવા વધુ સમય માંગ્યો હોવાથી કોર્ટે સુનવણી પાછી ઠેલી છે.

હાર્દિકે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ભાજપ સરકાર કાવાદાવા કરી રહી છે અને સરકારના વકીલો કોર્ટમાં વધુ સમય માંગી રહ્યા છે જેથી તેને લોક સભાની ચૂંટણી લડવાનો સમય ન મળે. પટેલે તેની પીટિશનમાં જણાવ્યું છે કે તેના ચૂંટણી જીતવાના પૂરેપૂરા ચાન્સ છે.

રાજય સરકારે પટેલની અરજી વિરુદ્ઘ દસ્તાવેજો કોર્ટમાં જમા કરાવ્યા છે. સરકારે જણાવ્યું કે તે વારંવાર કાયદાનો ભંગ કરે છે અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેની સામે અનેક FIR નોંધાઈ છે. પટેલના વકીલે સુનાવણી મોકૂફ રાખવાના નિર્ણયનો વિરોધ કરતા જણાવ્યું કે સરકાર સમય વેડફી રહી છે. હાર્દિકના વિરોધના પગલે જજ એ.જી ઉરાઈઝીએ સુનવણી ૨૬ માર્ચે ઠેલી છે.

હાર્દિક પટેલ તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયો છે. તે હવે લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે બે વર્ષથી ચાલતા તેની સામે કાર્યવાહીના કેસ પર સ્ટે મેળવવા વ્યગ્ર છે. તેણે ૮ માર્ચે કોર્ટમાં પીટિશન દાખલ કરી હતી. આ કેસને કારણે તે ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી શકતો નથી. ગયા વર્ષે જુલાઈ મહિનામાં મહેસાણા જિલ્લાની વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, સરદાર પટેલ ગૃપના નેતા લાલજી પટેલ અને એ.કે પટેલને રમખાણ માટે, ગેરકાયદેસર ભીડ એકત્ર કરવા બદલ, જાહેર સંપત્ત્િ।ને નુકસાન પહોંચડાવા બદલ અને સ્થાનિક ભાજપના ધારાસભ્યની ઓફિસમાં આગ ચાંપવાના ગુના બદલ દોષી ઠેરવ્યા હતા. આ ઘટના પાટીદાર સમાજની પ્રથમ રેલી દરમિયાન ઘટી હતી જયારે હાર્દિક પટેલના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં પાટીદારો અનામતની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા.

(3:59 pm IST)