Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

વિપુલ ગોયલ અને સુમિત આનંદ શહેરની મુલાકાતે

અમદાવાદ હેરીટેજ રાઉન્ડ ટેબલ-૧૯૩નું આયોજનઃ જરૂરિયાતવાળા બાળકોના શૈક્ષણિક ઉત્કર્ષ સહિતના સેવા કાર્ય માટે ૨૫મીએ શહેરમાં સ્ટેન્ડ અપ કોમેડી શો યોજાશે

અમદાવાદ,તા. ૨૦: શહેરમાં સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગના બાળકોના શૈક્ષણિક ઉત્કર્ષ સહિતના સેવાકાર્ય માટે શહેરમાં તા.૨૫મી માર્ચે શહેરમાં રાજપથ કલબની પાછળ પંડિત દીનદયાળ ઓડિટોરીયમ ખાતે સ્ટેન્ડ અપ કોમેડી શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ હેરીટેજ રાઉન્ડ ટેબલ-૧૯૩ દ્વારા લાફ્ટર ફોર લિટરસી(હસવા આવો અને બદલામાં શિક્ષણ આપો)ના અનોખા કન્સેપ્ટ સાથે આ લાફ્ટર કોમેડી શોનું આયોજન કરાયું છે, જેમાં દેશના સુપ્રસિધ્ધ અને જાણીતા કોમેડી કલાકાર વિપુલ ગોયલ અને સુમિત આનંદ દ્વારા દર્શકોને હાસ્યનું મનોરંજન પૂરુ પાડવામાં આવશે. આ કોમેડી શો દ્વારા એકત્ર થનાર રકમને જરૂરિયાતમંદ બાળકો માટે શાળાઓમાં વર્ગખંડની સુવિધા, રમત-ગમત માટે માળખાકીય સુવિધા, પીવાના શુધ્ધ પાણીની સુવિધા, પુસ્તકાલય સહિતના વિવિધ આવશ્યક સેવાઓના ઉદ્દેશોની પરિપૂર્તિ માટે ઉપયોગમાં લેવાશે એમ અત્રે અમદાવાદ હેરીટેજ રાઉન્ડ ટેબલ-૧૯૩, ગુજરાત રાજયના ચેરમેન વિકાસ અગ્રવાલ અને અમદાવાદ સેન્ટરના ચેરમેન વિનીત અગ્રવાલે જણાવ્યું હતું. લાફ્ટર ફોર લિટરસી કન્સેપ્ટ રાખવા પાછળ બંને મહાનુભાવોએ ખુલાસો કર્યો હતો કે, આ કોમેડી શો યોજવા પાછળનો ઉદ્દેશ સેવાકીય અને સમાજના નબળા અને જરૂરિયામંદ બાળકોના શૈક્ષણિક ઉત્કર્ષ માટેનો છે, તેથી એમ કહી શકાય કે, તમે હસવા આવો અને બદલામાં શું આપો છો ? તો જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ, તેથી શોનો કન્સેપ્ટ લાફ્ટર ફોર લિટરસી રખાયો છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વર્ષોથી સેવાકાર્ય કરી રહેલ અમદાવાદ હેરીટેજ રાઉન્ડ ટેબલ-૧૯૩ દ્વારા તા.૨૫મી માર્ચે સાંજે ૪-૦૦થી ૬- ૦૦ દરમ્યાન રાજપથ કલબ પાછળ પંડિત દીનદયાળ ઓડિટોરીયમ ખાતે આ સ્ટેન્ડ અપ કોમેડી શોનું આયોજન કરાયું છે, જે સંપૂર્ણપણે પારિવારિક અને મનોરંજનથી ભરપૂર હશે. અમદાવાદ હેરીટેજ રાઉન્ડ ટેબલ-૧૯૩, ગુજરાત રાજયના ચેરમેન વિકાસ અગ્રવાલ અને અમદાવાદ સેન્ટરના ચેરમેન વિનીત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, સમાજના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સમાજમાં કંઇક પાછુ આપવાની ઉમદા ભાવનાથી રાઉન્ડ ટેબલના એક મંચ પર સાથે આવી આ સેવાકીય પ્રવૃત્તિને આગળ ધપાવી રહ્યા છે. ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં સરકાર કે સંબંધિત સત્તાવાળાઓ જે સેવા કે સુવિધા પહોંચાડી ના શકતા હોય ત્યાં અમે જઇ તમામ સુવિધા-સવલતો ઉપલબ્ધ બનાવી રહ્યા છે. અમદાવાદ હેરીટેજ રાઉન્ડ ટેબલ-૧૯૩ દ્વારા અત્યારસુધીમાં અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની ૧૯ જેટલી સરકારી શાળાઓ અને ત્રણથી વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં જરૂરિયામંદ બાળકો અને લોકો માટે વર્ગખંડ, બાળકો માટે બેંચીસ, શેડ,  આરોગ્ય વિષયક સવલતો, સાધન-સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ શો મારફતે એકત્ર થનારા ભંડોળ મારફતે બગોદરા પાસેના ભુરખી ગામે સરકારી શાળામાં વર્ગખંડ અને લાયબ્રેરીની સુવિધા ઉભી કરાશે. તા.૨૫મીના સ્ટેન્ડ અપ કોમેડી શો માટે સુપ્રસિધ્ધ કોમેડી કલાકાર વિપુલ ગોયલ અને સુમિત આનંદની એટલા માટે પસંદગી કરાઇ કેમ કે, બંને કલાકારો ખૂબ લોકપ્રિય છે અને ગુજરાતીઓ માટે તેમની ભાષા ઘણી ફ્રેન્ડલી અને ગમે તેવી છે, જે આપણા અહીંના દર્શકોને હાસ્યનું ભરપૂર મનોરંજન પૂરું પાડશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ હેરિટેજ રાઉન્ડ  ટેબલ-૧૯૩ દ્વારા આંતરિયાળ ગામડાઓમાં શિક્ષણ, આરોગ્ય સેવાની સાથે સાથે સમયાંતરે મેડિકલ કેમ્પ, રકતદાન કેમ્પ, જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક-પુસ્તક વિતરણ સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવી રહી છે અને સમાજસેવામાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપી રહી છે.

(10:53 pm IST)