Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

બોર્ડ પરીક્ષા : ૧૦ના ગણિતના પેપરે રાતાપાણીએ રડાવી દીધા

અભ્યાસક્રમ બહારનું પૂછાતાં વિદ્યાર્થીઓ ગોથે ચઢ્યા : જવાબદાર પેપર સેટર, અધિકારીની સામે કાર્યવાહી કરવા વિદ્યાર્થીઓ-વાલીઓની માંગ : શહેરમાં કોપીના ત્રણ કેસો

અમદાવાદ,તા. ૨૦ : ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની ચાલી રહેલી પરીક્ષામાં આજે ધોરણ-૧૦ના ગણિતનું પેપર બહુ જ અઘરૂ અને લાંબુ નીકળ્યું હતુ, જેથી ધોરણ-૧૦ના ગણિતના પેપરે આજે વિદ્યાર્થીઓને જાણ રાતા પાણીએ રડાવ્યા હતા. ગણિતના શિક્ષકોના મત મુજબ, છેલ્લા ૨૦ વર્ષમાં ગણિતનું આવુ વિચિત્ર પ્રશ્નપત્ર નીકળ્યું નથી. આટલુ અઘરૂ અને લાંબુ પેપર કાઢવાને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ઉગ્ર રોષ અને આક્રોશની લાગણી ફેલાયેલી જોવા મળી હતી. પરીક્ષા કેન્દ્રો પર જ વિદ્યાર્થીઓ ચોધાર આંસુએ રડતા નજરે પડયા હતા, તો વાલીઓએ પણ તેમની હૈયાવરાળ ઠાલવી હતી. બીજીબાજુ, આજે ધોરણ-૧૦ની પરીક્ષામાં આજે અમદાવાદમાં નારણપુરના વિશ્વનિકેતન સ્કૂલ, ઇસનપુરની વેદાંત સ્કૂલના સેન્ટર ખાતે બે કોપી કેસના કિસ્સા અને ધોરણ-૧૨માં મણિનગરની રામકૃષ્ણ હાઇસ્કૂલ ખાતે કોપી કેસ મળી અમદાવાદ શહેરમાં કુલ ત્રણ કોપી કેસના કિસ્સા નોંધાયા હતા. જે અંગે બોર્ડ સત્તાધીશોએ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ધોરણ-૧૦માં આજે સવારે ગણિત વિષયનું પ્રશ્નપત્ર હતું. પરંતુ ગણિતનું પેપર વિદ્યાર્થીઓને એટલું અઘરું અને લાંબુ લાગ્યું હતું કે કેટલાક સેન્ટર પર વિદ્યાર્થીઓ રીતસરના રડી પડયા હતા. પ્રશ્નપત્રમાં વિભાગ-એમાં પૂછાયેલા પ્રશ્નો એટલા અટપટા અને વિચિત્ર હતા કે, વિદ્યાર્થીઓ નિયત સમયમર્યાદામાં તેને યોગ્ય ન્યાય આપી શકયા ન હતા. તો, વૈકલ્પિક પ્રશ્નોને લઇ વિદ્યાર્થીઓ ગોથે ચઢયા હતા. પુસ્તક બહારના અને અભ્યાસક્રમ બહારનું પૂછાયું હોવાનો પણ વિદ્યાર્થીઓ અને વાલીઓએ આક્ષેપ કર્યો હતો. કેટલાક વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની અપેક્ષા કે કલ્પના બહારના પ્રશ્નો પૂછી પરીક્ષા ટાણે તેમનું નૈતિક મનોબળ તોડવાનો પ્રયાસ થયો હોય તેમ જણાય છે.  ગણિતના અઘરા પેપરને લઇ કેટલાક વિદ્યાર્થીઓ તો બિલકુલ હતાશ અને નિરાશ થઇ ગયા હતા તો, કેટલાક રીતસરના રડતા નજરે પડતા હતા.

વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ સમગ્ર મામલે ન્યાયી અને તટસ્થ તપાસના માંગણી કરી હતી અને આ પ્રકારનું વિચિત્ર અને અઘરૂ પેપર કાઢનાર જવાબદાર પેપર સેટર અને અધિકારીઓ સામે તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી હતી. દરમ્યાન અમદાવાદ શહેરમાં ધોરણ-૧૦ની પરીક્ષામાં આજે કોપી કેસના બે કિસ્સાઓ અને ધોરણ-૧૨માં એક કોપી કેસ મળી કુલ ત્રણ કિસ્સાઓ નોંધાયા હતા. જે અંગે બોર્ડ સત્તાવાળાઓએ આગળની શિક્ષાત્મક કાર્યવાહી કરી છે.  જયારે  ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં આજે પ્રથમ અને દ્વિતીય ભાષાનું અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં સોશ્યોલોજીનું પેપર હતુ  જો કે, આ બંને પેપરો પણ એકંદરે સરળ રહ્યા હતા. વિદ્યાર્થીઓને બહુ મુશ્કેલ કે અઘરા જણાયા ન હતા.

પરીક્ષાની સાથે સાથે......

*    બે દિવસના બ્રેક બાદ બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦માં આજે ગણિત વિષયનું પેપર ખુબ મુશ્કેલ નિકળતા વિદ્યાર્થીઓ ખુબ જ મુશ્કેલીમાં દેખાયા

*    વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી

*    અઘરુ પેપર કાઢનાર પેપર સેટર સામે પણ પગલા લેવાની માંગ કરવામાં આવી

*    હજુ સુધી તમામ પેપરો સરળ રહ્યા હતા

*    ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષામાં આજે અમદાવાદમાં કોપીના ત્રણ કેસો નોંધાયા

*    ધોરણ-૧૨ સાયન્સમાં પ્રથમ, દ્વિતીય ભાષાનું અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં સોશ્યોલોજીનું પેપર હતુ.

(8:17 pm IST)