Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

એટીએમમાં નોટો ભરનાર કર્મચારીએ ૩૨ લાખ ચોર્યા

એટીએમમાં પૈસા મૂકતા કર્મચારીઓ જ લૂંટારા : પાલડી પોલીસે આખરે આરોપી નરેન્દ્ર જાદવની ધરપકડ કરી : એટીએમથી લોક પાસવર્ડ ખોલી પૈસા ચોરતો હતો

અમદાવાદ,તા. ૨૦ : અમદાવાદ શહેરમાં વિવિધ બેંકોના એટીએમમાં પૈસા ભરવાનું કામ કરતી કંપનીઓના કર્મચારીઓ જ લુંટારા બનીને સામે આવી રહ્યા છે. વસ્ત્રાપુરમાં  કેશવાનમાંથી રૂ.૯૮ લાખની લૂંટના ગુનામાં હજુ પણ લૂંટની રકમ રિકવરી થઇ નથી ત્યાં શહેરના વિવિધ એટીએમમાંથી અલગ-અલગ સમયે રૂ.૩૨ લાખ જેટલી મોટી રકમની ચોરી ખુદ એટીએમમાં પૈસા ભરવાનું કામ કરતી કંપનીના કર્મચારી દ્વારા જ કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ છે. વિવિધ બેંકોના એટીએમમાં બેંકોના રૂપિયા અપલોડ કરવાનું કામ કરતી કંપનીઓ અને તેમના કર્મચારીઓ સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. બીજીબાજુ, પાલડી પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ સઘન તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપી કર્મચારી નરેન્દ્ર જાદવની ધરપકડ કરી લીધી હતી અને સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં અન્ય આરોપીઓ સંડોવાયેલા હોવાની શકયતા પણ પોલીસ ચકાસી રહી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના વાસણા ધરણીધર દેરાસર ખાતે આવેલ અષ્ટમંગલ રેસીડેન્સીમાં આવેલી બ્રિક્સ ઇન્ડિયા લિ. નામની કંપની શહેરના વિવિધ એટીએમમાં બેંકોના રૂપિયા અપલોડ કરવાનો કોન્ટ્રાકટ ધરાવે છે. આ કંપનીમાં નોકરી કરતાં નરેન્દ્ર છોટાલાલ જાદવ(રહે.જેઠાલાલની ચાલી, એસટી રોડ, બહેરામપુરા) અને જાનમોહમંદ અબ્દુલરફીક શેખ શહેરના જુદા જુદા વિસ્તારમાં અલગ-અલગ બેંકોના એટીએમમાં રૂપિયા અપલોડ કરવાનું કામ કરતા હતા. દરમ્યાન છેલ્લા કેટલાક સમયથી અમુક બેંકના એટીએમમાં રૂપિયાની ઘટ જણાઇ હતી, જેથી બેંકે તપાસ કરતાં એટીએમમાંથી રૂપિયાની ચોરી થતી હોવાની શંકા બળવત્તર બની હતી. બેંકો દ્વારા બ્રિક્સ ઇન્ડિયા કંપનીનું પણ આ સમગ્ર મામલે ધ્યાન દોરવામાં આવ્યું હતું. દરમ્યાન એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, ખુદ કંપનીનો કર્મચારી નરેન્દ્ર જાદવ જ બેંકોના એટીએમમાં પૈસા ભર્યા બાદ બેંકની જાણ બહાર એટીએમમાં જતો હતો અને લોક પાસવર્ડ ખોલી એટીએમમાંથી રૂપિયા કાઢી લેતો હતો. આ પ્રકારે નરેન્દ્ર જાદવે જુદા જુદા એટીએમમાંથી કુલ રૂ.૩૨ લાખની મોટી રકમની ચોરી કરી હતી. આ સમગ્ર વાત ધ્યાન પર આવતાં બ્રિક્સ ઇન્ડિયા તરફથી પોલીસમાં ફરિયાદ નોંધાવાતાં પાલડી પોલીસે આરોપી નરેન્દ્ર જાદવની ધરપકડ કરી લીધી હતી અને સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી.

(8:16 pm IST)