Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

વડોદરામાં નઇજીરિયન મહિલા ૪૦૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાઇ

વડોદરાઃ વડોદરા રેલ્વે સ્ટેશન ઉપરથી નાઇજીરિયન મહિલા ૪૦૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાઇ જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વડોદરામાંથી છેલ્લા 15 દિવસથી વિવિધ જગ્યાઓ પરથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ત્યારે હવે એક નાઈજીરિયન મહિલા 400 ગ્રામ ડ્રગ્સ સાથે રેલવે સ્ટેશન પરથી પકડાઈ હતી.

વડોદરાના નાર્કોટિક્સ વિભાગને માહિતી મળી હતી કે, ગોવા સંપર્ક ક્રાંતિમાં એક મહિલા ડ્રગ્સ લઈને આવી રહી છે, જેને પગલે રેલવે સ્ટેશન પર વોચ ગોઠવાઈ હતી. વડોદરા રેલવે સ્ટેશન પરથી એક નાઈજીરિયન મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઈ છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પાસે આ ઘટના બની હતી. ગોવા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ આ મહિલા બિસ્કીટના ડબ્બામાં ડ્રગ્સ છુપાવીને લાવી હતી. રેલવે પોલીસે તપાસ કરતા તેના ડબ્બામાંથી 400 ગ્રામ ડ્રગ્સ નીકળ્યું હતું. નાર્કોટિક્સ વિભાગે મહિલાને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. બીજી વાત નોઁધનીય છે કે, અત્યાર સુધી જે ડ્રગ્સના આરોપીઓ ઝડપાતા હતા, તે પુરુષ આરોપી હતી. જ્યારે કે પહેલીવાર કોઈ મહિલાની ધરપકડ કરાઈ છે. જેથી સ્પષ્ટ થાય છે કે, ડ્રગ્સ વેચનારા મહિલાઓનો પણ કરિયર તરીકે ઉપયોગ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાંથી છેલ્લા 15 દિવસથી નાર્કોટિક્સ વિભાગ વડોદરા શહેર-જિલ્લામાંથી ડ્રગ્સ પકડવામાં સફળ રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં ડ્રગ્સ પકડાયાના ચાર કિસ્સા નોંધાયા છે. સૌપ્રથમ એક નાઈજીરિયન નાગરિક ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. તેના બાદ કરજણ ચોકડી પાસેથી નાર્કોટિક વિભાગે અંદાજે દોઢ કરોડનું ડ્રગ પકડી પાડ્યું હતું. ત્યાર બાદ વડોદરામાંથી પણ ડ્રગ્સની કેટલીક કેપ્સ્યુલ મળી આવી હતી. ત્યારે આજે ફરીથી નાર્કોટિક વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

હાલ, પોલીસે મહિલાની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે, કે આ મહિલાને કોને ડ્રગ્સ આપ્યુ હતું, અને તે ક્યાં લઈ જઈ રહી હતી અને કોને ડિલીવરી કરવાની હતી. મહિલા સાથેની પૂછપરછમાં ડ્ર્ગ્સનો વેપલો કરતી ગેંગનો પણ ખુલાસો થઈ શકે છે, જેઓ છેલ્લા કેટલાય સમયથી વડોદરા જિલ્લામાં ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાની ત્રણ ઘટનાના તાર મુંબઈ સાથે જોડાયેલા હતા, તેથી નાઈજીરિયન મહિલા મામલે પણ મુંબઈ કનેક્શનની શક્યતાઓ સેવાઈ રહી છે.

(7:52 pm IST)