Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

બાઇક સ્લીપ થતાં યુવકનું મોત થયું : સુભાષબ્રિજ ઉપર ઘટના

મોડી રાત્રે બંને મિત્રો બાઇક પર ઘેર આવતા હતા : એક ઇજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ : સમગ્ર બનાવ અંગે રાણીપ પોલીસની તપાસ : ભારે સનસનાટી

અમદાવાદ,તા. ૨૦ : શહેરના સુભાષબ્રીજ રવિવારે મોડી રાત્રે બાઇક પર ઘેર પરત ફરી રહેલા બે મિત્રોને ગંભીર અકસ્માત નડયો હતો. રાત્રિના સમયે પૂરપાટઝડપે એક જ બાઇક પર જઇ રહેલા આ મિત્રોનું બાઇક સ્લીપ થઇ જતાં બંને જોરદાર રીતે જમીન પર પટકાયા હતા અને ઘસડાયા હતા. જેમાં એક મિત્રનું ગંભીર ઇજાઓ થવાના કારણે કરૂણ મોત નીપજયું હતું. જયારે બીજા મિત્રને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે રાણીપ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગતો એવી છે કે, શહેરના જૂના વાડજના રામાપીરના ટેકાર પાસે આવેલી બળિયાદેવની ચાલીમાં રહેતા ભીખાભાઇ સોલંકીનો મોટો પુત્ર બળદેવ(ઉ.વ.૨૩) રવિવારે સાંજે તેના રાણીપ વિસ્તારમાં ઇન્દિરાનગર ખાતે રહેતાં તેના મિત્ર મૃણાલ સાથે બાઇક પર બહાર ગયો હતો. મોડી રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ સુભાષબ્રીજ પાસે મૃણાલે પૂરપાટઝડપે બાઇક ચલાવતાં વાહન પરનું નિયંત્રણ ગુમાવ્યું હતુ અને અચાનક જ તેમનું બાઇક સ્લીપ થઇ ગયું હતું. બાઇક સ્લીપ થતાં બળદેવ અને મૃણાલ બંને મિત્રો જોરદાર રીતે જમીન પર પટકાયા હતા. જેમાં બળદેવને ગંભીર ઇજાઓ થતાં તેનું કરૂણ મોત નીપજયું હતું, જયારે મૃણાલને પ્રમાણમાં ઓછી ઇજાઓ થતાં તે બચી ગયો હતો. જો કે, તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં તેણે બળદેવના પિતાને અકસ્માતની જાણ કરી હતી, જેથી તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. આ સમગ્ર બનાવ અંગે રાણીપ પોલીસે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:41 pm IST)