Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

હવે માત્ર ૧૧ દિવસ બાકી હોવા છતાં અમદાવાદમાં પોલીસના જ ૭૦૦થી વધુ વાહનોમાં હાઇ સિક્યોરિટી રજિસ્‍ટ્રેશન પ્લેટ લગાવવાની બાકી

અમદાવાદઃ ૩૧ માર્ચ છેલ્લી તારીખ હોવા છતાં અમદાવાદમાં પોલીસના જ ૭૦૦થી વધુ વાહનોમાં હજુ સુધી હાઇ સિક્યોરિટી રજિસ્‍ટ્રેશન પ્લેટ નાખવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ શહેર પોલીસ પાસે 1500 જેટલા વાહનો છે. જેમાં ટુ-વ્હીલર્સ ઉપરાંત ફોર-વ્હીલર્સનો પણ સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે, HSRP નખાવવાની છેલ્લી તારીખ અત્યાર સુધીમાં બે વાર એક્સટેન્ડ કરાઈ ચૂકી છે, છતાંય પોલીસે પોતાના જ વાહનોમાં તે નખાવવા માટે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી.

અમદાવાદના આરટીઓ જીએસ પરમારનું કહેવું છે કે, એચએસઆરપી નખાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ હોવા છતાંય તેના માટે મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને વિવિધ સરકારી વિભાગો પોતાના સરકારી વાહનોમાં નવી નંબર પ્લેટ લગાવવા માટે ખાસ રસ નથી બતાવી રહ્યા. પોલીસ તરફથી પણ જુના વાહનોમાં HSRP નખાવવા અંગે હજુ સુધી સત્તાવાર રીતે આરટીઓનો સંપર્ક નથી કરાયો.

પરમારે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ડિપાર્ટમેન્ટ પહેલા પોતાના વાહનોમાં HSRP નખાવે તે વધુ જરુરી છે. RTO પોલીસ હેડક્વાટરમાં જઈને પણ પોલીસના વાહનોમાં HSRP નાખી આપવા તૈયાર છે, પરંતુ તેના માટે ઓછામાં ઓછો એક અધિકારી તમામ જવાબદારી લે અને વાહનોના તમામ ડેટા અમને ઉપલબ્ધ કરાવે તે જરુરી છે.

અમદાવાદ પોલીસ હેડક્વાટર્સના એસીપી ડૉ. વિપુલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, પોલીસના વાહનોમાં HSRP નખાવવાની પ્રક્રિયા શરુ કરવાની બાકી છે. આ કામ એડમિનિસ્ટ્રેશન વિભાગ હેઠળ આવે છે, અને નિયમો પાળવા પોલીસ વિભાગ પણ બંધાયેલો છે. આ અંગે અમે ટૂંક જ સમયમાં સંલગ્ન અધિકારીની નિમણૂંક કરી પ્રક્રિયા શરુ કરીશું.

ટ્રાફિકના નિયમો અનુસાર, 31 માર્ચ સુધીમાં HSRP ન નખાવનારા વાહન ચાલકને 500 રુપિયાનો દંડ ફટકારવામાં આવશે. તમામ પ્રકારના વાહનોમાં 500 રુપિયા દંડ લેવામાં આવશે. 31 માર્ચ નવી નંબર પ્લેટ નખાવવાની છેલ્લી તારીખ છે, જેને હજુ 11 દિવસ બચ્યા છે. જોકે, હજુ સુધી આઠ લાખ જેટલા ખાનગી વાહનોમાં HSRP નખાવવાની બાકી છે. બાકી વાહનોની સંખ્યા જોતા સરકાર ફરી ડેડલાઈન લંબાવે તેવી શક્યતા છે.

(5:58 pm IST)