Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

અહિંસા એકસપ્રેસને હિંસાના દાવાનળમાં ધકેલવાનું રસપ્રદ-ચોંકાવનારૂ રહસ્ય સુરત ક્રાઈમ બ્રાન્ચે ખોલ્યું

ઘરનો બળ્યો, ગામ બાળે તેવી ઉકિત મુજબ પોલીસનો બળ્યો ગાંજાના ધંધાનો માસ્ટર માઈન્ડ ટ્રેનને ઉથલાવવા મેદાને પડેલ : ગાંજાના ધંધામાં લાખો રૂપિયાનું નુકશાન જતા દિલીપ આગબબુલાઃ ડીસીપી વિશાલ વાઘેલા તથા પીઆઈ એમ.એસ. ત્રિવેદી ટીમની સફળતા

રાજકોટ, તા. ૨૦ :. ગત ડીસેમ્બર માસમાં સુરત ઉતરાણ વચ્ચે અહિંસા એકસપ્રેસ ટ્રેનને ઉથલાવવાના કાવત્રાનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી કાવત્રામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સાથે રસપ્રદ બાબતો બહાર આવી હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

ઓરિસ્સાથી સુરતમાં મોટાપાયે ગાંજાનો જથ્થો ઠલવાતો હોવાથી રેલ્વે પોલીસ અને સુરત પોલીસે સંયુકત રીતે બેઠક કરી ગાંજો સુરતમાં પ્રવેશતા રોકી યુવાધનને બરબાદ થતુ રોકવા માટે ચોક્કસ પ્રકારની રણનીતિ ઘડી તે મુજબ કાર્યવાહી શરૂ કરતા જ ગાંજાના ધંધાના નેટવર્કને જબ્બર ફટકો પડયો હતો.

ગાંજાના ધંધાના નેટવર્કના માઈન્ડ સમા દિલીપને આ રીતે લાખો રૂપિયાનો ફટકો પડતા જ તે આગ બબુલા થઈ ઉઠયો હતો. સીધી રીતે તો તે કંઈ કરી શકે તેમ ન હોવાથી ઘરનો બળ્યો, ગામ બાળે તે કહેવત મુજબ દિલીપે પોલીસ સામેનો ગુસ્સો સામાન્ય લોકો સામે ઉતારવા માટે સુરત ઉતરાણ વચ્ચે પસાર થતી અહિંસા એકસપ્રેસ ટ્રેનને હિંસાની ગરતામાં ધકેલવા માટે ટ્રેનને ઉથલાવવાનું કાવત્રુ ઘડી કાઢયુ.

ટ્રેનને ઉથલાવી લોકોને જાનહાની કરી બદલો લેવા માટે રેલ્વે ટ્રેક ઉપર લોખંડના અને લાકડાના બે બાકડા ગોઠવી દીધા હતા. આમ સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી વિશાલ વાઘેલા તથા પીઆઈ એમ.એસ. ત્રિવેદી વગેરેની પુછપરછમાં ચોંકાવનારી અને રસપ્રદ વિગતો બહાર આવતા  જ  પોલીસ  ચોંકી   ઉઠી  હતી.

(1:00 pm IST)