Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

સુરતમાં આર્થિક ભાંગી પડેલા દંપતીએ ઇચ્છામૃત્યુ માટે સત્તાધીશો પાસે પોકાર કર્યો

સુરત તા. ૨૦ : સુરતના એક પતિ અને પત્નીએ ઇચ્છા મૃત્યુ અથવા લિવર અને કિડની વેચવા પરમિશન આપવા કલેકટરને અરજી કરી છે. માથાભારે ઈસમે ક્રસર પ્લાન પડાવી લીધો હતો. જેને લઈ છેલ્લા ૨૫ વર્ષથી ન્યાય માટે લડી રહ્યા હોવા છતાં ન્યાય ન મળતા આખરે ઇચ્છામૃત્યુ અથવા કિડની વેચી પરિવારને આર્થિક રીતે મદદ કરવાની ઇચ્છા હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન ઇચ્છામૃત્યુની માગણી કરનારા દંપતીએ કરેલી અરજી અનુસાર મૂળ જેતપુરના નરેન્દ્ર પટેલે સુરત જિલ્લાના ઉમરપાડામાં ભાગીદારીમાં ૧૯૯૦માં સ્ટોન ક્રસર નામની ભાગીદારી પેઢીથી કપચી અને મેટલ ગ્રીટનો ધંધો શરૂ કર્યો હતો. ૧૯૯૨માં મસરી નારણ નામનો શખસ ભાગીદાર તરીકે જોડાયો હતો. તેમ જ કરાર મુજબના રૂપિયા પણ આપ્યા ન હતા. ત્યાર બાદ ૩ મહિનાની અંદર ધાકધમકીથી સ્ટોન ક્રસર પડાવી લીધી હતી. છેલ્લાં ૨૫ વર્ષમાં મસરી નારણ કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી કરી છે તે બાબતે પણ ગુજરાતના મુખ્યમંત્રી, ખાતાના મંત્રીઓ અને સરકારી અધિકારીઓને પણ અરજી કરી છે. જોકે કોઈ ન્યાય મળ્યો નથી. ૧૯૯૨માં અન્ય ભાગીદાર દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. જેનો ચુકાદો ૨૦૧૭માં આવ્યો હતો.

શખસ મસરી નારણ એટલી વગ ધરાવે છે કે, ૨૫ વર્ષ સુધી કેસને ચાલવા જ ન દીધો. ૨૫ વર્ષથી ન્યાય માટે ધક્કા ખાઈને ઇચ્છામૃત્યુની માગ કરતી અરજી કલેકટરને કરી છે અને રાષ્ટ્રપતિને પણ અરજી કરવામાં આવશે. દરમિયાન જો ઇચ્છામૃત્યુની મંજૂરી કાયદાકીય રીતે ન મળી શકતી હોય તો શરીરના કીમતી અંગ લિવર-કિડની વેચવાની મંજૂરી આપવા અપીલ કરી છે. નાણાકીય બાબતે માનસિક યાતના ભોગવી રહ્યા હોવાથી પરિવારને શાંતિ મળે તે માટે આખરી ઇચ્છા વ્યકત કરી છે.(૨૧.૧૩)

(11:48 am IST)