Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ચાંદી ચોરીના કેસનો આરોપી ક્રાઈમ બ્રાન્ચની જાળમાં ફસાયો

અમદાવાદના ૧૭ વર્ષ જૂના કેસનો આરોપી ઝડપાયો : ૪૧ કિલોગ્રામ ચાંદીની ચોરીના કેસમાં ૨૦૦૫થી નાસતો ફરતો ગોમ્સ ડીસોઝા ગોવાથી અમદાવાદ આવ્યો હતો

અમદાવાદ, તા.૨૦ : ગુનાહિત પ્રવૃત્તિ ભલે ગમે તેટલી સિફસ્ત પૂર્વક કરાઈ હોય પણ આખરે ચોરી પકડાઈ જ જતી હોય છે. આવું જ અમદાવાદમાં બન્યું છે કે જેમાં ૧૭ વર્ષ પહેલા બનેલી ૪૧ કિલોની ચાંદી ચોરનારા પકડાયા છે. શહેરના સીજી રોડ પરથી ૪૧ કિલો ચાંદીનો જથ્થો લઈને ફરાર થઈ ગયેલો ગોમ્સ ડીસોઝા ગોવા ફરાર થઈ ગયો હતો. જ્યાં તે માછલી પકડીને ગુજરાન ચલાવતો હતો, જોકે, સામાજિક પ્રસંગ હોવાથી તેણે ૧૭ વર્ષ પછી ગુજરાતમાં પગ મૂક્યો હતો. ભાઈના ત્યાં પ્રસંગમાં આવેલો ગોમ્સ પાછો ગોવા રવાના થઈ જવાનો હતો, પરંતુ કોરોનાના કેસ વધી જતા તે રોકાઈ ગયો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી છે.

વર્ષ ૨૦૦૫માં બનેલી ઘટનામાં સીજી રોડ પર શ્રીજી પ્લેટર્સના માલિક ગુણવંતભાઈ દવે પોતાના મોટરસાઈકલ પર ૪૧ કિલો ચાંદી લઈને જઈ રહ્યા હતા ત્યારે અન્ય મોટરસાઈકલ પર આવેલા શખ્સોએ તેમના વાહનને ટક્કર મારીને નીચે પાડી દીધા હતા, અને તેમની આંખમાં મરચું નાખીને ચાંદીની લૂંટ કરી લીધી હતી.

આ કેસમાં નવરંગપુરા પોલીસે ત્રણ યુવકોને ઝડપી પાડ્યા હતા પરંતુ અમરાઈવાડીમાં રહેતો ગોમ્સ ડીસોઝા મળ્યો નહોતો આ પછી તેના ઘરે પણ પોલીસે અનેકવાર તપાસ કરી પરંતુ તે મુંબઈ જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ ત્યાં પણ પોલીસે કરેલી તપાસમાં તે હાથ લાગ્યો નહોતો.

આવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે અન્ય વોન્ટેડની તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે ૧૭ વર્ષ જૂના કેસમાં ફરાર આરોપી ગોમ્સનું પરિવાર સાથે સંપર્કમાં હોવાથી સોશિયલ મીડિયા દ્વારા ટ્રેસિંગ કરાતું હતું, તે વર્ષ ૨૦૧૯માં સોશિયલ મીડિયા દ્વારા તેના પરિવારના સંપર્કમાં આવ્યો હતો, આ તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું કે તે અમદાવાદમાં આવ્યો છે, જેના આધારે તપાસ કરતા તે ચાંદલોડિયામાં હોવાનું માલુમ પડ્યું હતું.

પોલીસે તપાસ કરીને પ્રસંગમાં આવેલા અને ૧૭ વર્ષ જૂના કેસમાં ફરાર ગોમ્સની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે તે તેના પિતાથી પરેશાન હતો અને ઘર છોડીને જતો રહ્યો હતો. ધોરણ-૬ પાસ ગોમ્સ માતાનું નિધન થયા બાદ પિતાનો બધા ભાઈ બહેન પર ત્રાસ પડતો હોવાથી તે પોતાના જન્મ સ્થળ રામોલને છોડીને અમરાઈવાડી રહેવા જતો રહ્યો હતો. અહીંથી તે ૨૦૦૫માં વિજય ઠક્કરના સંપર્કમાં આવ્યો હતો અને આયોજન પ્રમાણે થયેલી લૂંટની ઘટના બાદ ગોમ્સ મુંબઈ જતો રહ્યો હતો અને મુંબઈથી ગોવા પહોંચીને માછીમારીનો ધંધો કરતો હતો.

ગોમ્સે વર્ષો સુધી પોતાના પરિવારનો સંપર્ક કરવાની કોશિશ કરી નહોતી પરંતુ વર્ષ ૨૦૧૯માં તેણે ફેસબૂક મારફતે પોતાના ભાઈ-બહેનનો સંપર્ક કર્યો હતો. આ પછી તે ડિસેમ્બર ૯માં ભાઈની પત્નીના સીમંત પ્રસંગ માટે અમદાવાદ આવ્યો હતો. જોકે, કોરોનાના કેસ વધતા તે અમદાવાદમાં રોકાઈ ગયો હતો.

 

(7:14 pm IST)