Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

પોલીસ ઉપર હુમલો કરનારા તત્વો સામે તપાસનો ધમધમાટ

અમદાવાદમાં વર્ષો બાદ અંજપાભરી અશાંતિ : પોલીસ સીસીટીવી, સ્થાનિક લોકોની પૂછપરછના આધારે તોફાની તત્વોને પકડી લેવાશે :ફરિયાદો પણ દાખલ કરાશે

અમદાવાદ, તા.૧૯ : સીએએના વિરોધમાં આજે અમદાવાદ શહેરના શાહઆલમ સહિતના મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયના તોફાની તત્વો દ્વારા પોલીસને જે પ્રકારે ટાર્ગેટ કરી પથ્થરમારો અને હિંસાનો ભોગ બનાવી તે ઘટનાના હવે ગુજરાત જ નહી પરંતુ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વર્ષો બાદ અજંપાભરી શાંતિ પથરાયેલી છે. લોકોમાં એક પ્રકારનો ડર અને ફફડાટ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. શહેરના કોટ વિસ્તારમાં અને મુસ્લિમ વિસ્તારોમાં વાતાવરણ તંગ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ત્યારે હવે પોલીસ પર હુમલાને લઇ રાજય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તોફાની તત્વોને ઝબ્બે કરવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ખાસ કરીને પોલીસે સીસીટીવી ફુટેજીસ અને સ્થાનિક લોકોની પૂછપરછના આધારે તોફાની તત્વોને આઇડેન્ટીફાઇ કરી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

           પોલીસે સમગ્ર પ્રકરણમાં ખાસ કરીને પોલીસ પર હુમલાના બનાવોને લઇ જરૂરી ફરિયાદ અને કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરવાની તજવીજ પણ હાથ ધરી છે. અમદાવાદ શહેરના ઇતિહાસમાં સૌપ્રથમવાર કાશ્મીર સ્ટાઇલથી મોંઢે રૂમાલ બાંધી પોલીસને ટાર્ગેટ બનાવી જોરદાર રીતે પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહી, પોલીસને ઘેરી ઘેરીને જોરદાર હિંસક હુમલાનો ભોગ બનાવી લોહીલુહાણ કરાઇ હતી, જેના કારણે માત્ર સામાન્ય પ્રજામાં જ નહી પરંતુ સમગ્ર પોલીસ તંત્રમાં ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. મુસ્લિમ વિસ્તારોમાં માત્ર પોલીસ જ નહી પરંતુ મીડિયા કર્મીઓને પણ તોફાની તત્વોએ ટાર્ગેટ કરી હુમલાનો ભોગ બનાવાયા હતા. જેમાં કેટલાક મીડિયા કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચી હતી.  જે પછી પોલીસ તંત્ર એકદમ આકરા પાણીએ અને કડકાઇથી એકશનમાં આવ્યું હતું.

શાહઆલમ, ચંડોળા સહિતના વિસ્તારોમાં પોલીસે કોમ્બીંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરી મોટાપાયે તોફાની તત્વોને ઝબ્બે કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સાથે સાથે આ તોફાન-હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા વધારાના પોલીસ જવાનો અને દળોના કર્મચારીઓને ઉતારી દેવાયા હતા અને રાતભર પોલીસ પેટ્રોલીંગ અને ફલેગમાર્ચ કરી સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. પોલીસે મોડી સાંજ બાદ હિંસા અને તોફાનની પરિસ્થિતિ પર કાબૂમાં મેળવી લીધો હતો પરંતુ વાતાવરણ નિશંકપણે તંગ જણાતું હતું. બીજીબાજુ, પોલીસે હવે શહેરની શાંતિ ડહોળનાર અને પોલીસ આ પ્રકારે અમાનવીય હુમલો કરનાર તોફાની તત્વોને ઝબ્બે કરવા સીસીટીવી ફુટેજીસ, સ્થાનિક લોકોના નિવેદનોને સહિતની તપાસના આધારે ફરિયાદ દાખલ કરવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં પોલીસ મોટાપાયે તોફાની તત્વોની ધરપકડ કરી તેઓની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. 

(11:39 pm IST)