Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

કંસારીની જીઆઈડીસીમાં રાઈસ મિલ્સમાં ત્રાટકેલા તસ્કરો: દરવાજાના નકુચા તોડી ૬.૨૫ લાખ મત્તાની ચોરી

ખંભાત: નજીક આવેલા કંસારીની જીઆઈડીસીમાં આવેલી એક રાઈસ મિલ્સમાં ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરો દ્વારા મુખ્ય દરવાજાના નકુચા તોડી નાંખીને અંદર ઘુસી ૬.૨૫ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં સીટી પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર કંસારી ગામે રહેતા ચિરાગભાઈ મહેશભાઈ ઠાળીયાની જીઆઈડીસીમાં શ્રીનાથ રાઈસ એન્ડ પલ્સ મીલ આવેલી છે. રાઈસ મિલની પાછળ મારવાડી મજૂરો મકાનો બાંધીને રહે છે. ગઈકાલે રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને લાકડાના દરવાજાનો નકુચો ધારધાર હથિયારથી તોડી નાંખીને ઓફિસમાં ઘુસ્યા હતા. અને ટેબલના ડ્રોવરમાં મુકેલા રોકડા હજાર ચોરી લીધા હતા. ત્યારબાદ ચોથી રૂમમાં મૂકેલી નાની તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તિજોરી ના તુટતા તસ્કરો આખી તિજોરી ચોરી ગયા હતા અને પાછળ આવેલા ખેતરમાં લઈ જઈને નરાસ કે અન્ય કોઈ વજનદાર સાધન વડે તિજોરી તોડી નાંખીને અંદર રોજબરોજના વકરાના તેમજ મજૂરોના મૂકી રાખેલા રોકડા રૂપિયા ૫,૯૦,૭૨૬ તેમજ પૂજા કરવાના ચાંદીના વાસણો કે જેમાં ચાંદીની નાની બે થાળી, બે વાટકી મળીને કુલ ૬,૨૫,૭૨૬ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે ચોરીની જાણ થતાં ચિરાગભાઈ તુરંત મિલે પહોંચી ગયા હતા અને તપાસ કરતાં ખુરશી પણ બહાર પડેલી મળી આવી હતી. તેઓએ તુરંત ખંભાત શહેર પોલીસને જાણ કરતાં પીઆઈ ડી. પી. ચૌહાણ સહિત સ્ટાફના જવાનો તુરંત કંસારી જીઆઈડીસી ખાતે પહોંચી ગયા હતા અને તપાસ કરતા મિલની પાછળ આવેલા ખેતરમાંથી નાની તિજોરી તુટેલી હાલતમાં મળી આવી હતી જે કબ્જે કરીને પોલીસ ફિંગર પ્રિન્ટ નિષ્ણાત, ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તસ્કરો સુધી પહોંચવાની કવાયત હાથ ઘરી છે.

(6:19 pm IST)